Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભારતમાં પ્રવાસન તરીકે ઉભરતું નવું રાજય : તમિલનાડુ

કુદરત અને સંસ્‍કૃતિનો અદ્દભુત સમન્‍વય ધરાવતું

ભારતમાં પ્રવાસન તરીકે ઉભરતું નવું સ્‍થળ તમિલનાડુ આજે દુનિયાભરમાંથી પ્રવાસ કરવા આવતા ભારતીયની પહેલી પસંદ તમિલનાડુ બની રહ્યું છે. પ્રવાસન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ ૨૦૨૦માં તમિલનાડુ સૌથી વધુ ફરાયેલા સ્‍થળ તરીકે જાહેર થયું હતું. અહેવાલ અનુસાર આગ્રાના તાજમહેલ કરતા પણ વધુ તમિલનાડુના મહાબલીપુરમ ખાતે   લોકો પ્રવાસ કરી રહ્યા છે. તેથી આ સ્‍થળ સૌથી વધુ લોકો દ્વારા જોવાયેલ સ્‍થળ બની ગયું છે.

આપણે સૌ જાણીએ છીએ કે તમિલનાડુની સંસ્‍કળતિ ૪,૦૦૦ વર્ષો જૂની છે. તમિલનાડુમાં શાસન કરેલા ચોલવંશ, ચેરવંશ, પલ્લવ વંશના રાજાઓએ બંધાવેલા અનેક સ્‍થાપત્‍યોના બેનમૂન નમુનાઓ અહીં જોવા મળે છે. આ ઉપરાંત તમિલનાડુમાં સાંસ્‍કળતિક નળત્‍ય સંગીત અને કલાકારીનો સમન્‍વય જોવા મળે છે. જેમકે ભરતનાટયમ, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ સંગીત, પોલકલ કુથિરાઈ, થપ્‍પત્તમ, વીલ્લુપટ્ટુ, થીરીકૂઠું જેવા સાંસ્‍કળતિક નળત્‍ય અને સંગીત જોવા મળે છે.

અહીંની વર્લ્‍ડ હેરિટેજ સાઇટ્‍સ, હિલ સ્‍ટેશન, જળધોધ, નેશનલ પાર્ક, લોકલ જમવાનું, કુદરતી વાતાવરણ તેમજ વન્‍યજીવનને લીધે તમિલનાડુ ઘણું જ આકર્ષક બન્‍યું છે. ભારતીય પ્રવાસન મંત્રાલયના અહેવાલ મુજબ તમિલનાડુ નવા પ્રવાસન સ્‍થળ તરીકે ઉભર્યું છે. જેમાં ભારતીય લોકલ પ્રવાસીઓનો ૨૧.૩૧ % તથા વિદેશ પ્રવાસીઓનો ૨૧.૮૬% હિસ્‍સો રહ્યો છે. તમિલનાડુ સરકારની આવકનો ખૂબ મોટો હિસ્‍સો પ્રવાસન ક્ષેત્રમાંથી આવે છે. તમિલનાડુની વર્લ્‍ડ હેરિટેજ સાઇટ્‍સમાં ચોલ મંદિર કે જે રાજા રાજેન્‍દ્ર ચોલ દ્વારા ૧૨ મી સદીમાં બનાવેલ હતું, થંજાવરમાં આવેલ બળહદેશ્વર મંદિર લગભગ ૨૫૦ વર્ષ સુધી ચોલ વંશની રાજધાની રહી હતી. ગંગૈઇકોન્‍ડા, ચોલાપુરમ અને ઐરાવતેશ્વર મંદિર તથા દેરાસૂરમનો સમાવેશ થાય છે. આ દરેક સ્‍થળ પોતાના દ્રવિડિયન સંસ્‍કૃત્તિ માટે જાણીતું છે.

 આ ઉપરાંત મહાબલિપુરમના સ્‍થાપત્‍ય નમૂનાઓ કે જે પલ્લવવંશ દ્વારા સાતમી અને આઠમી સદીમાં બનાવાયેલ છે. તેમાં શોર મંદિર, સાત પગોડા, અજના સ્‍પેનિકના પથ્‍થરમાંથી બનાવેલા નમૂના, રથ મંદિરો, મડપ્‍પાના રૂપમાં સ્‍થિત ગુફાઓનો સમાવેશ થાય છે. તમિલનાડુ પોતાની દરિયાઈ ખૂબસૂરતી માટે પણ એટલું જ જાણીતું છે આ જ કારણે નીલગીરી પર્વતનું રેલવે સ્‍ટેશન પણ વર્લ્‍ડ હેરિટેજ સાઇટ્‍સમાં સ્‍થાન ધરાવે છે.

એવું કહેવાય છે કે તમિલનાડુમાં આશરે ૩૪,૦૦૦થી પણ વધુ હિન્‍દુ મંદિરો આવેલા છે. જેમાંથી મોટાભાગના મંદિરોનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. જેથી મદુરાઈ, રામેશ્વરમ, શ્રીરંગમ, કાંચીપુરમ જેવા સ્‍થળોએ લોકોનો વધુ ઘસારો જોવા મળે છે. કાંચિપુરમનું કૈલાશનાથ મંદિર, એકાંબેશ્‍વર મંદિર, કામાક્ષી મંદિર, ત્રિલોકયનાથ મંદિર તથા વર્ધારાજા પેરુમલ મંદિર પોતાની દ્રવિડિયન સંસ્‍કળતિ માટે દેશ-વિદેશમાં પ્રખ્‍યાત છે. ટેમ્‍પલ સિટી'ના નામથી પ્રખ્‍યાત મદુરાઈમાં પણ નાયક વંશ અને પાંડયવંશ દ્વારા હજારો મંદિરો બનાવાયા છે જેમાંથી સૌથી પ્રસિદ્ધ મીનાક્ષી અમન મંદિર ૨૦૦૦ વર્ષોથી પણ વધુ પ્રાચીન છ.ે આ ઉપરાંત ૧૨ જ્‍યોર્તિલિંગમાંનું એક એટલે કે રામેશ્વરમ મંદિર પણ અહીં સ્‍થિત છે. હિન્‍દુઓમાં રામેશ્વરમનું મહત્‍વ ખૂબ જ વધારે હોવાથી તેને ચારધામોમાં પણ સમાવેશ કરવામાં આવ્‍યું છે.

રોક ફોર્ટ સિટી'ના નામથી પ્રચલિત તિરૂચીરાપલ્લીમાં ૩.૮ મિલિયન વર્ષથી પણ જુના પથ્‍થરોના નમુના જોવા મળે છે. જેને હિમાલયથી પણ જૂના માનવામાં આવે છે. શ્રીરંગમાં શ્રી રંગનાથ સ્‍વામી મંદિર છે. આ મંદિરનું ગોપુરમ એશિયામાં સૌથી ઊંચું ૭૨ મીટર ઊંચું ગોપુરમ છે. આ ઉપરાંત અત્‍યારે પ્રસિદ્ધ થયેલ યોગીક મંદિર પણ વિશેષ વિખ્‍યાતી ધરાવે છે. જેને ઈશા ફાઉન્‍ડેશનના સ્‍થાપક સદગુરુ દ્વારા બનાવવામાં આવેલ છે. અહીં સ્‍થિત આદિ યોગીની પ્રતિમા લગભગ ૧૧૨ ફૂટ ઊંચી છે જેને આપણે વારંવાર સોશિયલ મીડિયામાં જોઈએ છીએ.

માત્ર હિન્‍દુઓ માટે જ નહીં પરંતુ ખ્રિસ્‍તી લોકો માટે પણ તમિલનાડુ ખૂબ મહત્‍વનું છે કારણ કે અહીં સ્‍થિત વેલાંકન્નીએ રોમન લોકોનું મંદિર છે. જેને વેટીકન સિટીના પોપ દ્વારા પવિત્ર તરીકે સ્‍થળ જાહેર કરાયું છે. જેથી ખ્રિસ્‍તી લોકો અહીં મુલાકાત લે છે. તમિલનાડુના એરવાડીમાં હઝરત સુલતાન સૈયદ ઈબ્રાહીમ શાહિદ બદુશાની કબર છે. જે આશરે ૧૨મી સદીમાં થઈ ગયા. અહીં દર વર્ષે સન્‍થાનકુંડું તહેવાર ઉજવાય છે. જેમાં લાખોની સંખ્‍યામાં લોકો જોડાય છે. આ ઉપરાંત કલુગુમલાઈમાં જૈન લોકોના તીર્થંકર પાર્શ્વનાથની પથ્‍થરમાંથી બનેલી મૂર્તિ છે. માટે અ સ્‍થળ જૈનો માટે મહત્‍વનુ઼ છે. આ બધું તમિલનાડુના સર્વ ધર્મ સમભાવને ઉજાગર કરે છે અને દરેક ધર્મના લોકોને આકર્ષે છે.

માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં ભૌગોલિક દ્રષ્ટિએ પણ તમિલનાડુને કુદરતના આશીર્વાદ પ્રાપ્ત છે. તમિલનાડુમાં ૫૦થી વધુ હિલ સ્‍ટેશનો આવેલા છે. જેમાં ઉંટીએ સૌથી પ્રસિદ્ધ હિલ સ્‍ટેશન છે. આ ઉપરાંત કોડીકેનાલ, પેરાકોડ, કુનુર, વલ્લપરાઈ, સિરૂમલાઈ, કોટાગીરી, મેગામલાઈ, જવાહી હિલ્‍સ જેવા હિલ સ્‍ટેશનો આવેલા છે. આ ઉપરાંત નીલગીરીના પર્વતો, પલાની પર્વતો અહીં સ્‍થિત જંગલો અને વન્‍ય જીવો માટે જાણીતા છે. અહીંથી નીકળેલા જળધોધ, સરોવર, વરસાદી નદીઓને કારણે તમિલનાડુની કુદરતી સુંદરતા આહ્‍લાદક બને છે.

સાથે જ તમિલનાડુ પોતાના દરિયા કિનારા માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમાંથી દુનિયાનો સૌથી મોટો અને લાંબો અર્બન બીચમાંનો એક મરીના બીચ, એલીઓટ બીચ અને કુશી અરીયામન બિચ સામુદ્રિક નજારાની સાથે અહીં વિકસિત થયેલા એડવેન્‍ચર માટે પણ જાણીતા બન્‍યા છે. આ ઉપરાંત કન્‍યાકુમારીમાં લોકો બંગાળની ખાડી, અરબ મહાસાગર અને હિંદ મહાસાગરના સંગમને જોવા આવે છે. કન્‍યાકુમારી ભારતની દક્ષિણે આવેલ અંતિમ સ્‍થળ છે. તમિલનાડુમાં વન્‍યજીવો માટે નીલગીરીની પર્વતમાળાઓમાં સ્‍થિત મુદુમલાઈ નેશનલ પાર્કમાં હાથી, વાઘ, ઉડતી ખિસકોલી, નીલગીરી લંગુર, ભારતીય ચિત્તા જેવા વન્‍ય પ્રાણીઓ જોવા મળે છે.

સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે તમિલનાડુમાં સીધ્‍ધ, આયુર્વેદ, હોમિયોપેથી, ઉન્‍નઇ જેવી મેડિકલ થેરાપી માટે જરૂરી વાતાવરણ અને તજજ્ઞ ઉપલબ્‍ધ હોવાથી ચેન્નઈ એશિયાનું મેડિકલ ટુરીઝમ હબ બન્‍યું છે. ભારતના લગભગ ૪૦% મેડિકલ ટૂરિઝમ ચેન્નઈમાં થાય છે. અહીં દેશ વિદેશમાંથી લોકો રોગોની સારવાર લેવા માટે આવે છે. તમિલનાડુ ફરવા અને સંસ્‍કૃતિથી પરિચિત થવા માટેનું ઉત્તમ સ્‍થળ છે. તમિલનાડુ સરકાર દ્વારા રાજયના પ્રવાસન માટેના પ્રયાસો થઇ રહ્યા હોવાથી તમિલનાડુ આજે સૌનું પસંદગીનું સ્‍થળ બન્‍યું છે.

: આલેખન :

રાધિકા જોષી

(11:43 am IST)