Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમેરિકાની જૈના સંસ્થાએ ભારતમાં કોરોના માટે માતબર રકમનું અનુદાન એકઠુ કર્યું

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. અને આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિજી મ.સા.ના સાનિધ્યે લાઇવના માધ્યમે

રાજકોટ તા. ૧૦ : માતૃભૂમિનો ઋણ ચૂકવવાનો આ અવસર છે આવા ઉચ્ચતમ ભાવો સાથે ભારતથી દૂર રહેવા છતાં અમેરિકાની JAINA સંસ્થાના ભાવિકોએ, ભારત દેશની કોરોના મહામારીની અતિ વિકટ પરિસ્થિતિ નિહાળી, ઓકિસજન અને દવાઓના અભાવે અનેક જીવોને મૃત્યુ પામતા નિહાળી, હજારો ગરીબ પરિવારોની આર્થિક વિષમતાને નિહાળી તેવા દરેક પરિવારોને સહારો આપવા, તેઓને મૃત્યુનાં મુખથી બચાવવા માટે માનવતાના મસીહા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. અને આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિજી મહારાજ સાહેબનાં સાંનિધ્યે લાઇવના માધ્યમે જોડાઈને ભારતમાં COVID relief માટે Fund Raise કરવાનું આયોજન ગોઠવી માતૃભૂમિનું ઋણ ચૂકવી એક જબરદસ્ત મિશાલનું સર્જન કર્યું.

‘JAINA’ તે સમગ્ર શ્રી સંઘોને જોડતી એક શિરસસ્થ સંસ્થા છે. જે વર્ષોથી North America ના હજારો જૈનોને જોડીને જૈન ધર્મનું સંરક્ષણ કરી તેનો પ્રચાર કરવોનો પુરુષાર્થ કરે છે. આ અવસરે કમલેશભાઈ ઓઝાના સંચાલન સાથે JAINAનાં પ્રેસિડેન્ટ મહેશભાઈ વાધર, હરેશભાઈ શાહ, દિલીપભાઈ શાહ, શરદભાઈ દોશી, બીરેનભાઈ શાહ, જયેશભાઈ પોરવાલ, કમલેશભાઈ શાહ, જશવંતભાઈ મોદી, આદિ નોર્થ અમેરિકાના સંઘોના અનેક પ્રતિનિધિઓ વિશેષ ભાવો સાથે જોડાયાં હતાં.

વિશેષમાં, જેમને ૭ વર્ષની ઉંમરથી પોતાના સૂરીલા કંઠથી ચેરિટી શોઝ દ્વારા Fund Raise કરી ૨૨૦૦થી પણ વધારે બાળકોની શ્રી નવકાર મહામંત્રનું સહુપ્રથમ શ્રવણ કરાવી તેમની હાર્ટ સર્જરી કરાવી છે તેવા પ્રસિદ્ઘ સિંગર પલક મુછાલજી પણ સત્કાર્યના આ અવસરે વિશેષભાવો સાથે જોડાયા હતા.

દેશનાં દરેક નાગરિકને સ્વયંના સ્વજન તરીકે ઓળખાવીને એમના પ્રત્યે અંતરના અપાર કરુણા ભાવે આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, આ માતૃભૂમિ આજે આપણાં જ બંધુઓ અને સ્વજનોને બચાવવા માટે સહાયતાનો જયારે પોકાર કરી રહી છે ત્યારે જે ભૂમિ પર આપણે સહુ ધર્મના અને જીવદયાના સંસ્કાર પામ્યાં છીએ તે માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો આ સમય આવ્યો છે. મંદિરમાં જવા માટે પગ જોઈએ પણ ભગવાનને પામવા હૃદય જોઈએ. સ્વયંનાં સુખ માટેના સ્વાર્થી તો આપણે હંમેશા બનતાં હોઈએ, પરંતુ આજે અવસર છે સહાય રથના સારથિ બનવાનો. મજબૂરીમાં ઘેરાયેલા દેશના હજારો પરિવારો માટે આજે માનવતા પોકાર કરી રહી છે અને કોઇની મજબૂરીને મજબુતીમાં કન્વર્ટ કરી શકે તે જ મહામાનવની નિશાની હોય છે. સુખનું એડ્રેસ selfish બનવામાં નહીં selfless સેવામાં રહેલું છે. સુખી થવાનાં સમયે જે અન્યને સુખી કરે તે જીવનમાં કદી દુઃખી ન થાય. Happy Mind નું Secret Helpful Hand હોય છે. પ્રોગ્રેસના સમયે બધા પાર્ટનર બને, પણ આવા પ્રોબ્લેમના સમયે પાર્ટનર બને તે જ સાચો શ્રાવકો હોય છે અને આપણા સ્વજનોને જયારે આપણે support કરતાં હોય એને donation ન કહેવાય એને તો એક સદભાવના કહેવાય છે.

એ સાથે જ, અમેરિકાના દરેક ભારતીયને પોતપોતાના ગામના કોઈ એક પરિવારને દત્ત્।ક લેવાની પાવન પ્રેરણા કરતાં પરમ ગુરુદેવે ભારતના કપરાં સમયમાં JAINA ના અમૂલ્ય સાથની ઐતિહાસિક સાક્ષી બનવાના મંગલ આશીર્વાદ આપ્યાં હતાં.

આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિજી મહારાજ સાહેબે આ અવસરે ઉપસ્થિત સહુ અમેરિકનના શરીરમાં ધબકી રહેલાં ભારતીય હૃદયની ભાવનાની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, આ કાળમાં દરેકને પુણ્યના તેમજ પુણ્યશાળી વ્યકિતના સપોર્ટની જરૂર છે, ત્યારે જો આપણે પુણ્યશાળી છીએ તો આપણે પણ કોઈકના સપોર્ટર બનીએ.

અમેરિકાની JAINA સંસ્થાના પ્રમુખ મહેશભાઈ વાધરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ભારતમાં કોરોનાના સમયમાં થતી સેવાઓને બિરદાવી, તેમના પ્રત્યે પોતાનો અત્યંત અહોભાવ પ્રગટ કર્યો હતો સાથે ડો. જયેશભાઈ શાહ, ડો. જશવંતભાઈ મોદી, મનુભાઈ શાહ, પ્રકાશભાઈ મહેતા, નીતિનભાઈ શાહ, મુંબઈ બોરીવલીના સમકિત ગ્રુપના ઊર્વીલભાઈ વખારીયા, કમલેશભાઈ શાહ, તેમજ પલકબેન મુછાલે ભારતના નાગરિકોની સહાય કરવાની ઉમદા ભાવનાની અભિવ્યકિત સાથે સહુને પ્રેરણા કરી હતી.

અંતમાં, ગુરુવાર્યોના શ્રીમુખેથી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર અને મંગલપાઠ સાથે સંપન્ન થયેલાં આ અવસરે USAના અનેક ભાવિકો હૃદયની ઉદાર ભાવના સાથે માતબર રકમનું અનુદાન અર્પણ કરી ભારતના અનેક જરૂરીયાતમંદોને oxygen concentrators જેવી અનેક પ્રકારની સહાયતા પહોંચાડવા કટિબદ્ઘ બન્યાં હતાં.

(3:14 pm IST)