Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પ્રવાસીના ફેવરીટ મસૂરીમાં પ્રવેશવા હવે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

ઉત્તર ભારતના મોટાભાગના હિલ સ્ટેશનોએ પ્રવાસીઓનું ઘોડાપૂર: હિલ સ્ટેશનની હોટલો હાઉસફુલ

ઉત્તર ભારતના મોટાભાગના હિલ સ્ટેશનોએ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી, મસૂરી સહિતના સ્થળોએ ભીડ કરી રહ્યાં છે.શહેરની મોટાભાગની હોટલો પણ પેક થઈ છે. શહેરમાં આવનાર પ્રવાસીઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં નથી. તેથી હવે પોલીસ પ્રશાસને મસૂરીમાં પ્રવેશ કરનાર લોકો માટે કોરોના નેગેટિવ ટેસ્ટ લઈને આવવાનું ફરજિયાત બનાવી દીધું છે.જેમની પાસે કોરોના નેગેટિવ રિપોર્ટ નહીં હોય તેમને મસૂરીના કોલ્હુખેતથી પાછા મોકલી દેવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કેમ્પ્ટી ફોલ્સનો વાયરલ વીડિયો દેખાડીને ચેતવણી આપી. વીડિયો પ્રવાસીઓને કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા. અગ્રવાલે જણાવ્યું કે આ પ્રકારની હરકત વાયરસને ખુલ્લું આમંત્રણ આપવા બરોબર છે. હજુ બીજી લહેર ખતમ થઈ નથી. આપણે બધાએ આ સમજવાની જરુર છે. આપણે કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ, બે ગજની દૂરી તથા હેન્ડ હાઈજિનનું પાલન કરવું પડશે. 
અગ્રવાલે કહ્યું કે કોરોના સામેના જંગમાં થોડી લાપરવાહી પણ ભારે પડી શકે છે. અમારો ઉદ્દેશ ડર પેદા કરવાનો નથી પરંતુ લાપરવાહી ન થાય તે જોવાનો છે.દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘટવા લાગી છે તેને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ પોતપોતાની રીતે કોરોનાના પ્રતિબંધોમાં છૂટ આપવા લાગી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મનાલી, શિમલા સહિતના દેશના જાણીતા હિલ સ્ટેશનોએ ભીડ વધી રહી છે અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા દેખાતા નથી. લોકો માસ્ક વગર બિંદાસ્ત રખડી રહ્યાં છે.

હિલ સ્ટેશનો પરની લોકોની બેફિકર ભીડ જોઈને કેન્દ્ર સરકારે ચિંતા થઈ છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડીને જણાવ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો ફરી વાર પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવશે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધી કોરોનાની બીજી લહેરમાં મળેલી રાહતને કોરોના પ્રોટોકોલ તોડનાર લોકો ખતમી કરી શકે છે.

લવ અગ્રવાલે જણાવ્યું કે લોકો હિલ સ્ટેશનોએ જવા લાગ્યાં છે. આવા લોકો કોરોના પ્રોટોકોલનું પણ પાલત કરી રહ્યાં નથી. જો આવું થશે તો અમે પ્રતિબંધોમાં અપાયેલી છૂટ પરત લઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે કોરોના્ની બીજી લહેર હજુ ગઈ નથી. કોરોનાની બીજી લહેર સીમિત ક્ષેત્રમાં આપણી વચ્ચે છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5 લાખ કરતા પણ ઓછી થઈ છે. જોકે હજુ પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય અને સિક્કીમ જેવા રાજ્યો ચિંતાનો વિષય બની રહ્યાં છે.

(9:21 am IST)