Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

હાઇકોર્ટોએ સુપ્રીમને આપી માહિતી

દેશમાં નેતાઓ સામે ૪૪૪૨ ગુનાહિત કેસો

નવી દિલ્હી તા. ૧૦ : દેશભરમાં રાજકીય નેતાઓ સામે ૪૪૪૨ ગુનાહિત કેસોમાં સુનાવણી ચાલી રહી છે. તેમાંથી ૨૫૫૬ કેસો વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટને બધી હાઇકોર્ટો દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા આંકડાઓથી આ ખુલાસો થયો છે. સુપ્રીમ કોર્ટ સંસદ અને વિધાનસભાઓમાં ચુંટાયેલા જન પ્રતિનિધિઓ સામે ગુનાહિત કેસોને જલ્દી નિર્ણય કરવા બાબતે વિચાર કરવા માટે થયેલ એક અરજીની સુનાવણી કરી રહી છે.

આના માટે સુપ્રીમ કોર્ટે બધી હાઇકોર્ટોના રજીસ્ટ્રાર જનરલોને નેતાઓ વિરૂધ્ધ ચાલી રહેલા કેસોની માહિતી આપવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં એમિકસ કયુરી સીનીયર વકીલ વિજય હંસારીયાએ બધી હાઇકોર્ટોમાંથી મળેલી માહિતી ભેગી કરીને પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કુલ ૪૪૪૨ કેસ ચાલી રહ્યા છે. જેમાંથી ૨૫૫૬ કેસોમાં વર્તમાન સાંસદ અને ધારાસભ્ય આરોપી છે. ૨૫ પાનાના સોગંદનામામાં કહેવાયું છે કે તેમાં સંડોવાયેલા જનપ્રતિનિધિઓની સંખ્યા કેસો કરતા વધારે છે. કેમકે એક કેસમાં એકથી વધારે જનપ્રતિનિધિઓ સંડોવાયેલા છે. ભાજપા નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની જાહેરહિતની અરજી પર કોર્ટના આદેશથી આ રિપોર્ટ રજુ કરાયો છે.

(10:36 am IST)