Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજસ્થાનમાં પૂજારીને જીવતા સળગાવતા દબંગોઃ હાહાકાર સર્જાયો

જયપુરઃ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં માથાભારે શખ્સોના ભયાનક કરતૂત સામે આવ્યા છે. લોકોના રૂવાડા ઉભા થઇ જાય એવી ઘટના  આ દબંગોએ જમીન વિવાદમાં મંદિરના એક પુજારીને જીવતા સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ભરતપુર જિલ્લાના બુકના ગામમાં આવેલા મંદિરની જમીન પર માથાભારે અને દબંગ ગણાતા કૈલાશ મીણાની નજર હતી. તેણે જમીનના વિવાદમાં મંદિરમાં વર્ષોથી પૂજા કરતા બાબુલાલ વૈષ્ણવને પેટ્રોલ રેડીને જીવતા સળગાવી દીધા હતા. પૂજારીના મરણોતર નિવેદન બાદ  સપોતરા પોલીસ સ્ટેશનમાં   એફઆઈઆર  નોંધવામાં આવેલ.

 પોલીસે મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ પોલીસ પર બેદરકારી દાખવવાનો પણ આરોપ લાગ્યો છે. એફઆઈઆરમાં જણાવ્યું કે મંદિરની જમીન પર કબજો જમાવવા આવેલો કૈલાશ પુત્ર કાડૂ મીણા, શંકર, નમો, રામલખન મીણા વગેરે છાપરા નાખી રહ્યા હતા.. જયારે મંદિરના પુજારીએ તેમને અતિક્રમણ કરતા રોકયા તો તેમને પેટ્રોલ છાંટીને આગ લગાવી જીવતા જલાવી દીધેલ.

દરમિયાન ભાજપે મંદિરના પુજારીને જીવતા સળગાવી દેવાના મુદ્દે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે.. અને કહ્યુ છે કે, રાજયમાં ગુનાખોરી વધી રહી છે. કાયદાનો ડર હવે ગુનેગારોને રહ્યો નથી. લોકો ડરેલા છે અને કયાં સુધી કોંગ્રેસના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુનેગારોના મસીહા બનીને ફરતા રહેશે. પૂજારીને જીવતા સળગાવી દેવાની દ્યટના અપરાધીઓની વધેલી હિંમતનુ પ્રમાણ છે.પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યુ હતુ કે, આ ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.

(12:44 pm IST)