Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી : આજે ૧૨ના મોત : નવા ૩૫ કેસ

કુલ કેસનો આંક ૭૧૨૯એ પહોંચ્યો : કુલ ૫૯૯૨ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૮૪.૪૬ ટકા થયો : કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૫૧૯ બેડ ખાલી : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૧૦: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો રહ્યો છે ત્યારે તેમાંં રાજકોટ પણ બાકાત નથી .  છેલ્લા ઘણા સમયથી શહેરમાં મૃત્યુ આંકમાં ઘટાડો વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં  ૧૨નાં મોત થયા છે. જ્યારે આજે બપોરે નવા ૩૫ કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં કુલ ૫૯૯૨ દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ ૮૪.૪૬ ટકા થયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ કોવીડ-નોન કોવીડ થી તા.૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૨ દર્દીનાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૫૧૯ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

૩૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૧૨૯  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૫૯૯૨  લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૪.૪૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૦૧૧  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૮૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૬  ટકા થયો  હતો. જયારે ૧૦૫ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૬૭,૧૯૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૧૨૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૫  ટકા થયો છે.

૪૦ હજાર ઘરોનો સર્વેઃ   માત્ર ૨૫ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૦ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૨૫ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  પંચનાથ પ્લોટ, આનંદનગર, કેવડાવાડી, શાસ્ત્રીનગર, વિજય પ્લોટ, મનહર પ્લોટ, સરદારનગર, સેન્ટ્રલ જેલ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૨૬૧ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

શહેરમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ ઘટાડો : ૭ નવા જાહેર

શહેરમાં ગઇકાલની સ્થિતીએ વ્રજવાટીકા સોસાયટી- કાલાવડ રોડ, જાગનાથ એપાર્ટમેન્ટ- જંકશન પ્લોટ, ગોપાલ નગર- ગાંધીગ્રામ, મેઘાણીનગર- કોઠારિયા રોડ, પૂજા પાર્ક - હુડકો, અમરજીતનગર - એરપોર્ટ રોડ, હાપલિયા પાર્ક- કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાઃ ગઇકાલે ૯૦ પૈકી હાલમાં ૫૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત

(2:43 pm IST)