Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રામવિલાસ પાસવાનનો નશ્વરદેહ પંચભૂતમાં વિલિન

લોકજનશક્તિ પાર્ટીના સ્થાપક નેતાની વિદાય : પટણાના દીધા ઘાટ પર રાજકીય સન્માન સાથે યોજાયેલી અંત્યેષ્ટીમાં પક્ષના હજારો કાર્યકરો-પ્રસંશકો ઉમટી પડ્યા

પટણા,તા.૧૦ : દિવંગત કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રા પટના સ્થિત તેમના નિવાસસ્થાનથી ગંગા કિનારે દીઘા ઘાટ ગઈ હતી. રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રામાં તેમના પ્રશંસક અને તેમના પક્ષના હજારો કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી. વિપક્ષના ઘણા નેતાઓ પણ રામવિલાસ પાસવાનના પટના સ્થિત નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. દિવંગત રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રામાં તેમના પક્ષના કાર્યકરોએ *જબ તક સૂરજ ચાંદ રહેગા રામવિલાસ તેરા નામ રહેગા* અને *ધરતી ગૂંજે આસમાન રામવિલાસ પાસવાન*ના નારા લગાવ્યા હતા. રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રા દરમિયાન એલજેપીના કેટલાક કાર્યકરોએ ચિરાગ પાસવાન મત ઘબરાના-તુમ્હારે પીછે સારા જમાના'ના નારા લગાવ્યા હતા. દિવંગત રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર પટનાના દીઘા ઘાટ ખાતે થયા હતાજેમાં નાયબ સીએમ સુશીલ કુમાર મોદી, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાય અને ગિરિરાજ સિંહ સહિત બિહાર સરકારના અનેક પ્રધાનો અને નેતાઓ પણ દીઘા ઘાટ પર હાજર હતા. લોકજનશક્તિ પાર્ટી (લોજપા)ના સ્થાપક રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રા તેમના પટણા ખાતેના ઘરેથી નીકળી હતી દીઘા ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા આવ્યા હતા. પુત્ર ચિરાગ પાસવાને જેવી પિતાને કાંધ આપી કે લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

(7:19 pm IST)