Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નાગાલેન્ડના ગ્રાહકનો ઓર્ડર રદ કરાતા ફ્લિપકાર્ટ વિવાદમાં

ભારત બહાર સેવા ન આપતા હોવાનું કારણ આપ્યું : ભૂલનો અહેસાસ થતાં ફ્લિપકાર્ટે માફી માગી લીધીે

ગૌહાટી,તા.૧૦ : ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ વિવાદમાં આવી છે. નાગાલેન્ડના એક વ્યક્તિએ ફ્લિપકાર્ટ પર એક ઑનલાઇન ઑર્ડર નોંધાવ્યો હતો. જે બાદમાં ફ્લિપકાર્ટ તરફથી એવું કહીને ઑર્ડર રદ કરી દેવામાં આવ્યો હતો કે, અમે અમારી સેવા ભારત બહાર આપતા નથી. જોકે, જ્યારે ફ્લિપકાર્ટને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે માફી માંગી લીધી હતી અને કંપનીથી ભૂલ થયાનો સ્વીકાર કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે, તાજેતરમાં કંપનીએ નાગાલેન્ડના એક ગ્રાહકને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે તે પૂર્વોત્તર રાજ્યોમાં કેમ માલ પૂરો પાડતી નથી! એક ગ્રાહકને જવાબ આપતા ફ્લિપકાર્ટ તરફથી કહેવામાં આવ્યું કે, *આ માટે અમને માફ કરજો. અમારી પાસેથી ખરીદીમાં તમે જ રસ દાખવ્યો છે તેની અમે પ્રશંસા કરીએ છીએ. પરંતુ અમે ભારત બહાર અમારી સેવા નથી આપતા. દીમાપુર ટુડેએ ફેસબુક પેજ પર આ સમાચારને ગુરુવારે મૂક્યા હતા. જે બાદમં આ પોસ્ટ ફટાફટ વાયરલ થઈ હતી. અનેક લોકોએ ફ્લિપકાર્ટની મજાક ઉડાવતા પ્રશ્નો પૂછ્યો હતો કે શું નાગાલેન્ડને સ્વતંત્રતા આપી દેવામાં આવી છે રિપોર્ટ પ્રમાણે, આ અંગે ત્રિપુરા શાહી વંશજ અને સ્વદેશી પ્રગતિશીલ ક્ષેત્રિય ગઠબંધનના સંસ્થાપક પ્રઘોત માણિક્ય દેબ બર્મેને ગુરુવારે ટ્વીટ કર્યું કે, *હેલો ફ્લિપકાર્ટ, શું આ સાચું છે? જો સાચું હોય તો શું તમને નાગાલેન્ડ ભારતમાં જ હોવાની ખબર નથી! આ ખરેખર ચોંકાવનારું છે. આ સમાચાર વાયરલ થયા બાદ ફ્લિપકાર્ટની ટીમે બાદમાં માફી માંગી હતી. ફ્લિપકાર્ટની ટીમ તરફથી કહેવામાં આવ્યું કે, *અજાણતા થયેલી ભૂલ બદલ અમે માફી માંગીએ છીએ. અમે નાગાલેન્ડ સહિત આખા દેશમાં અવિરત સેવા માટે પ્રયાસ કરીએ છીએ. તમારી સાથે જોડાયેલા રહેવાની અને ઉપલબ્ધ હોય તેવા તમામ વિકલ્પ પુરા પાડવા માટે અમે ખુશ છીએ.

(7:20 pm IST)