Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કચ્છના અબડાસામાં ભાજપે રચ્યો રાજકીય ઈતિહાસ- પ્રધ્યુમનસિંહ જાડેજાની ભારે બહુમતીથી જીત : અપક્ષ ઉમેદવાર અને માઈક્રો પ્લાનિંગ સાથે ભાજપે રીપીટ જીત મેળવી મહેણું ભાંગ્યું, જાણો લઘુમતી, દલિત અને પાટીદાર મતદારોની બહુમતી વચ્ચે અબડાસામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવારને હરાવવા ભાજપે કેવી રચી વ્યુહ રચના, કોંગ્રેસના ડો. સેંઘાણીએ હાર સ્વીકારી

(વિનોદ ગાલા, ભુજ) અબડાસા બેઠક ઉપર આ,લખાય છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રધ્યમનસિંહ જાડેજા ૨૬ હજાર મતોથી આગળ છે. કુલ ૩૧ રાઉન્ડ માથી બપોરે દોઢ વાગ્યા સુધી  ૨૩ રાઉન્ડની મત ગણતરી પુરી થઈ ગઈ છે અને કોંગ્રેસી ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ મત ગણતરી કેન્દ્ર પર વાત કરતાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જોકે, તેમણે પોતાની હારનું ઠીકરુ અપક્ષ ઉમેદવાર પર નાખ્યું છે. ત્યારે હાર જીતનું વિશ્લેષણ કરવું રસપ્રદ બન્યું છે. કચ્છની અબડાસા વિધાનસભા બેઠકનો અત્યાર સુધીનો રાજકીય ઇતિહાસ એવો રહ્યો છે કે, એક વાર જીતેલો ઉમેદવાર અહી બીજીવાર જીતતો નથી. પણ, ભાજપમાં જોડાઈને પક્ષ પલ્ટો કર્યા પછી પ્રધ્યુમનસિંહ જાડેજા માટે કોંગ્રેસની આ પરંપરાગત બેઠક ઉપર આંકડાકીય રીતે પણ જીતવું એ પડકાર હતો. કુલ ૨.૪૩ હજાર મતદારો પૈકી ૬૫ હજાર લઘુમતી, ૩૦ હજાર દલિત અને ૩૨ હજાર પાટીદાર મતદારો ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસે પાટીદાર તબીબ ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા. કોંગ્રેસ વતી હાર્દિક પટેલ, અમિત ચાવડા, રાજીવ સાતવ, પરેશ ધાનાણી, ગ્યાસૂદ્દિન શેખ, ઇમરાન ખેડાવાલા પ્રચારમાં ઉતર્યા. જીગ્નેશ મેવાણીએ પણ પ્રચાર કર્યો. તેમ છતાં ભાજપ કેમ જીત્યું? ભાજપે વરીષ્ઠ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા જવા યુવાન નેતાએ  છેલ્લા દોઢ મહિનાથી અબડાસાના નલીયા મધ્યે ડેરા તંબુ તાણ્યા. એક રણનીતિ બનાવીને તમામ જુના અને નવા કાર્યકરોને સાથે જોડ્યા, નાની મોટી નારાજગી દુર કરી. દરેક કાર્યકરો સાથે સંકલન સાધી ચુંટણી દરમ્યાન મતદાન વધુ થાય અને મતદાર મતદાનબુથ સુધી પહોચે એની જવાબદારી ઉપર છેક સુધી નજર રાખી. વળી, તાલુકા, જિલ્લા પંચાયતની ચુંટણીમાં કાર્યકરો, આગેવાનોના પર્ફોમન્સ ઉપર નજર રહેશે એવી વાત પણ ધ્યાને મુકી. આમ કોરોના દરમ્યાન ઓછું મતદાન થશે, એ વાત ખોટી પડી, ૬૧ ટકા જેટલું સારુ મતદાન થયું. સ્થાનિકે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે પણ મતદારો પ્રત્યે ખુબ સક્રીય રહ્યા. વરિષ્ઠ નેતાઓ પૂષ્પદાન ગઢવી અને તારાચંદ છેડા પણ ભાજપના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા. તો, ભાજપે અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની ઘડેલી વ્યુહ રચના કામિયાબ બની. કોંગ્રેસની લગોલગ લઘુમતી અપક્ષ ઉમેદવારે મત મેળવ્યા. છેક છેલ્લે સુધી એ વાત ચાલતી હતી કે, બેટ કેવું ફરે છે, તેના ઉપર પરિણામ ફરશે. અપક્ષ ઉમેદવાર હનીફ બાવાનું બેટ જોરદાર ફર્યું અને કોંગ્રેસને માટે હાર નિશ્ચિત બની.

(1:49 pm IST)