Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આણંદના પિતા પુત્રની જોડીએ સેનાને આપી અનોખી ભેટ

રીન્યુએબલ એનર્જીમાં પીએચ.ડી કરતાં હર્ષવર્ધન ઝાએ ભારતીય સૈન્ય માટે એક ખાસ પ્રકારની પવનચક્કી તૈયાર કરી છે

નવી દિલ્હી,તા.૧૦: દેશમાં અત્યારે ઉર્જા ઉત્પાદનના વૈકલ્પિક સ્ત્રોતો ઉપર અનેક રિસર્ચ થઇ રહ્યા છે. આણંદના એક પિતા પુત્ર એ એવી જ એક સિદ્ઘિ હાસલ કરી છે.

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં રીન્યુએબલ એનર્જીમાં પીએચ.ડી કરતાં હર્ષવર્ધન ઝાએ ભારતીય સૈન્ય માટે એક ખાસ પ્રકારની પવનચક્કી તૈયાર કરી છે.

જે હિમાલયના પહાડો પર માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં બરફવર્ષા વચ્ચે પણ વીજળી ઉત્પન્ન કરશે. માઇનસ તાપમાનમાં પણ બરફના તોફાન વચ્ચે પણ વીજળી ઉત્પન્ન કરી શકે તેવી ખાસ પ્રકારની ભારતની પ્રથમ સ્વદેશ પવનચક્કી લેહ ખાતે આર્મી કેમ્પમાં લગાવવામાં આવી છે. જેનાથી આર્મી કેમ્પમાં સર્વેલન્સના સાધનો ચલાવવા માટે જરૂરી વીજળી મેળવી શકાશે.

આ અગાઉ પિતા-પુત્રએ અગાઉ દ્યણી નાની મોટી સ્વદેશી પવનચક્કી તૈયાર કરી છે, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચરખાના આકારની તૈયાર કરેલી પવનચક્કી અનોખી અને સૌથી વિશેષ છે.

આ પવનચક્કીનું સંપૂણ ઓટોમેસનની રચના એવી રીતે કરી છે કે કોઈ પણ જગ્યાએથી ત્યાંના વિન્ડ સ્પીડ, વોલ્ટેજ, કરંટ, આરપીએમ, ની માહિતી ઓનલાઈન મળી શકે. જેનાથી ત્યાં કોઈપણ જાતનો ફોલ્ટ થયો હોય તો તેની જાણકારી મળી શકે. આ પવનચક્કી ઓછી ઊંચાઇએ અને ઓછા પવને પણ વીજળી ઉત્પન્ન કરી શકે છે. પહાડી વિસ્તારમાં પવનનો સુસવાટો વધુ હોય છે પરંતુ પવનની તાકાત ઓછી હોય છે. આ પવનચક્કીથી ૧૫થી ૨૦ કિમીની પવનની ઝડપે પણ વીજળી ઉત્પન્ન કરી શકાશે.

(2:46 pm IST)