Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

RJD પાછળ પડતા જેલમાં બંધ લાલુનો મૂડ બગડયો? ટીવી જોવાનું બંધ કરી દીધું

પટણા, તા.૧૦: બિહાર માટે એવું કહેવાય છે કે અહીં ગમે ત્યારે હવા બદલાઈ જાય છે. હાલ મત ગણતરી ચાલુ છે ત્યારે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં શરુઆતમાં આરજેડી જોરદાર આગળ ચાલી રહી હતી, જયારે હવે ભાજપ આગળ છે.

આરજેડીના સ્થાપક લાલુપ્રસાદ આમ તો હાલ દ્યાસચારા કૌભાંડમાં જેલમાં બંધ છે. તેઓ આજ સવારથી ટીવીમાં ચૂંટણીના સમાચાર જોઈ રહ્યા હતા, પરંતુ પોતાનો પક્ષ પાછળ થઈ જતાં તેમણે ટીવી જોવાનું બંધ કરી દીધું હતું, અને જેલની લોનમાં આવીને બેસી ગયા હતા.

હસનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા લાલુપ્રસાદના દીકરા તેજપ્રતાપ યાદવ હાલ જેડીયુના ઉમેદવાર રાજકુમાર રાયથી પાછળ ચાલી રહ્યા છે. બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી પણ ઈમામગંજ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

નીતિશ સરકારનાં મંત્રી મંજૂ વર્મા હાલ પાછળ છે. મુઝફ્ફરપુર બેઠક પરથી મંત્રી સુરેશ શર્મા પાછળ છે. જમાલપુર બેઠક પરથી જેડીયુના મંત્રી શૈલેશ કુમાર પણ પાછળ ચાલી રહ્યા છે.

મોદીએ એનડીએના પ્રચાર માટે બિહારમાં રેલીઓ કરી હતી. જે ક્ષેત્રોમાં તેમની સભાઓ થઈ ત્યાં ભાજપ અને જેડીયુ હાલ આગળ ચાલી રહ્યા છે. જોકે, જેડીયુ સામે બાંયો ચઢાવનારા અને પોતાને મોદીના હનુમાન ગણાવનારા ચિરાગ પાસવાનની પાર્ટી આ ચૂંટણીમાં ખાસ ઉકાળી નહીં શકે તેવું લાગી રહ્યું છે.

(3:25 pm IST)