Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

હાર્દિક પટેલે પ્રચાર તો ઘણો કર્યો પણ કોંગ્રેસને જરા પણ ફાયદો ન થયોઃ મહેનત પાણીમાં ગઇ

હાર્દિકની સભાઓમાં મેદની તો ઘણી થાય છે પણ મતમાં પરિવિર્તન થતી નથી

નવી દિલ્હી, તા.૧૦: હાર્દિક પટેલ પોતાની સભામાં ભીડ તો દ્યણી ભેગી કરી શકે છે, પરંતુ શું તે ભીડ વોટમાં પરિણમે છે ખરી? આ સવાલ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણી બાદ ફરી એક વાર સર્જાયો છે. કારણ કે, આઠ બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ એકાદ બેઠક પણ માંડ જીતી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

પેટાચૂંટણી પહેલા જ કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યો હતો. હાર્દિકે પેટાચૂંટણીમાં અનેક વિસ્તારોમાં ફરીને પ્રચાર માટે મહેનત પણ ખૂબ કરી હતી. જોકે, આઠ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને એકાદ બેઠક પણ માંડ મળે તેવી શકયતા છે.

અત્યારસુધીની મત ગણતરી પ્રમાણે માત્ર મોરબી બેઠક પર જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કકર ચાલી રહી છે. તેમાંય ભાજપના ઉમેદવાર આગળ જ ચાલી રહ્યા છે. આ સિવાયની સાત બેઠકો પર પણ ભાજપની સ્થિતિ ઘણી મજબૂત છે. લીંબડી, કપરડા, ડાંગ અને ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવારોની લીડ ઘણી મજબૂત બની છે.

રાજયસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારોએ રાજીનામાં ધરી દેતા આઠ બેઠકો ખાલી પડી હતી. કોંગ્રેસ છોડીને આવેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા, જેમાંથી પાંચને વિધાનસભા ચૂંટણીની ટિકિટ અપાઈ હતી. હાર્દિકે અને કોંગ્રેસે પક્ષપલ્ટૂઓને જનતા જાકારો આપે તે માટે આ મુદ્દે દ્યણો પ્રચાર કર્યો હતો, પરંતુ જનતાએ પક્ષપલ્ટુઓને સ્વીકારી લીધા હોય તેવું હાલ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિકે ભાજપ વિરુદ્ઘ જોરદાર પ્રચાર કર્યો હતો. અનામતના મુદ્દાને ઉઠાવી તેણે ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. જોકે, મહેસાણા અને સુરત જેવા પાટીદારોના ગઢ ગણાતા મતક્ષેત્રોમાં પણ ભાજપનો વિજય થયો હતો. આ ઉપરાંત, હાર્દિકે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. તે પોતે પણ જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા માગતો હતો, પરંતુ વિસનગરમાં તોડફોડના કેસમાં સજા થતાં તે ચૂંટણી નહોતો લડી શકયો.

અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી દીધા બાદ હાર્દિકની ગણના પક્ષના યુવા તેમજ ભીડ એકઠી કરી શકે તેવા નેતાઓમાં થાય છે. હાર્દિક પોતાની સભામાં ભીડ એકઠી કરી શકે છે, અને સોશિયલ મીડિયા પર પણ ખાસ્સો એકિટવ રહે છે. પરંતુ, તેના ભાષણ સાંભળવા આવતા લોકો કોંગ્રેસને મત કેમ નથી આપતા તે સવાલ કદાચ કોંગ્રેસના નેતાઓને પણ થઈ રહ્યો હશે.

(3:25 pm IST)