Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આરજેડીના નેતા તેજસ્‍વી યાદવ નેતા નહીં પરંતુ ક્રિકેટર બનવા માંગતા હતાઃ આઇપીએલમાં પણ નસીબ અજમાવ્‍યુ હતુ

પટણાઃ બિહારમાં મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર મનાતા આરજેડી નેતા તેજસ્વી યાદવ નેતા નહીં ક્રિકેટર બનવા માગતા હતા. તેજસ્વીએ IPLમાં પણ નસીબ અજમાવ્યું. આજે મુંબઇ સામે પ્રથમ વખત ટાઇટલ માટે જંગ ખેલી રહેલી દિલ્હીની ટીમમાં તેઓ 4 વર્ષ રહ્યા પણ ખરા.

Tejaswi Yadavને તેમ છતાં એક પણ મેચમાં રમવાનો તેજસ્વીને મોકો ન મળ્યો. આખરે પિતાના વારસા તરીકે રાજકારણમાં આવી ગયા.

બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ લગભગ તમામ એક્ઝિટ પોલમાં તેજસ્વીને વિજેતા જાહેર કરી દીધા હતા. પરંતું ભાજપની શાખે નીતીશનું ડુબતુ નાવ બચાવી લીધું. મંગળવારે બપોર સુધી જાહેર થયેલા પરિણામોમાં NDA બહુમતી તરફ અગ્રેસર હતું.

અલબત્ત તેજસ્વીના નેતૃત્વમાં મહાગઠબંધને કાંટાની ટક્કર જરુર આપી. જ્યાં NDA ઉમેદવારો આગળ છે. ત્યાં મોટા ભાગની બેઠકોમાં જીતનું અંતર મહાગઠબંધન કરતા 500થી 1000 મતો જેવું નજીવું હતું.

IPL દિલ્હી ડેરડેવિલ્સમાં 2008થી 12 સુધી હતા

અહીં મહાગઠબંધનના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવની વાત છે. જેમણે દિલ્હીમાં અભ્યાસ દરમિયાન પિતા લાલુ યાદવની જેમ નેતા બનવાને બદલે ક્રિકેટ બનવાનું મન બનાવ્યું હતું. તેજસ્વી માત્ર 9 ધોરણ સુધી ભણી શક્યા.

ત્યાર બાદ અંડર-15 ટીમમાં સામેલ થયા. પછી ઝારખંડ વતી અંડર-19 ટીમમાં રમ્યા તે દરમિયાન 2008-12માં દિલ્હી ડેરડેવિલ્સનો હિસ્સો બન્યા પરંતુ કમનસીબે ક્યારેય ટીમ-11ને હિસ્સો બની શક્યા નહીં. તેઓ મધ્યમક્રમના બેટસમેન ઉપરાંત બોલર એટલે કે ઓલરાઉન્ડર હતા.

ભૂતપુર્વ રેલવે મંત્રી અને તેજસ્વીના પિતા લાલુ યાદવે એક વખતે સંસદમાં પણ કહ્યું હતું કે તેમના પુત્રને IPLમાં રમવાની તક ન મળી, માત્ર બીજા ખેલાડીઓને પાણી પીવડાવ્યું.

રણજી ટ્રોફીમાં ઝારખંડ વતી રમ્યા

તેજસ્વીએ 2009માં ઝારખંડ રણજી ટીમ વતી પ્લેગ લીગમાં વિદર્ભ સામે રમ્યા હતા. પરંતુ ડેબ્યુ મેચમાં પ્રથમ ઇનિંગમાં માત્ર એક અને બીજા દાવમાં 19 રન બનાવી શક્યા હતા. બોલિંગમાં 5 ઓવરમાં કોઇ વિકેટ વિના 17 રન આપ્યા હતા.

ઉપરાંત તેજસ્વીને વિજય હજારે ટ્રોફીની બે લિસ્ટ એ મેચ (ઘરેલુ વનડે) અને 4 ટી-20 મેચમાં પણ રમવાની તક મળી હતી. પરંતુ ત્યાં પણ તેમનું પ્રદર્શન કોઇ ખાસ નહતું. પ્રથમ વનડેમાં ઓડિશા સામે માત્ર 9 રન કર્યા બીજી મેચમા ત્રિપુરા સામે માત્ર 5 રને આઉટ થઇ ગયા.

ક્રિકેટમાં તેજસ્વીના નામે માત્ર એક વિકેટ

પરંતુ એક વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. જે તેમના ક્રિકેટ કેરિયરની એક માત્ર વિકેટ છે. ત્યાર બાદ સૈયદ મુશ્તાક અલી ટી-20માં એક મેચમાં ભાગ લીધો. જેમાં તેમણે માત્ર ત્રણ રન કર્યા.

આવી રીતે તેજસ્વીનો ક્રિકેટમાં તેજ જોવા ન મળ્યો. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 19 અને લિસ્ટ-એમાં 9, ટી-20માં 3 રનનો છે. બોલિંગમાં માત્ર એક વિકેટ તેમના નામે બોલાય છે.

ક્રિકેટમાં નિષ્ફળ રહ્યા બાદ તેજસ્વીએ રાજકારણમાં પિતાના વારસાને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો. હવે તેઓ RJDના પ્રમુખ બની ગયા છે. એટલું જ નહીં ભાજપ-જેડીયુના એનડીએ ગઠબંધન સામે બાથ ભીડી રહ્યા છે. આવનારો સમય કહેશે કે તેઓ રાજકારણમાં પિતાની જેમ નામ કમાવે છે કે નહીં?

(5:18 pm IST)