Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગોવા લો કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શિલ્‍પાસિંહે સામે ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુઃખ પહોંચાડવાની ફરિયાદઃ ‘મંગળસુત્ર'ની સરખામણી ‘કૂતરાની ચેન' સાથે કરી

નવી દિલ્હી: ગોવા લો કોલેજની એક આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ સામે ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુ:ખ પહોંચાડવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. આ FIR રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહિની ગોવા યૂનિટના રાજીવ ઝાએ નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો

આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહે આ વર્ષ 21 એપ્રિલના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક પોસ્ટ લખી, જેમાં તેણે પિતૃ સત્તા અને સિદ્ધાંતોને પડકાર આપતા 'મંગળસૂત્ર'ની સરખામણી 'કુતરાની ચેન' સાથે કરી કરી હતી. પોંડા, સાઉથ ગોવાના રહેવાસી રાજીવ ઝાએ તેની આ પોસ્ટ સામે ગોવા પોલિસમાં FIR નોંઘાવી હતી. ઝાએ આરોપ લગાવ્યો છે કે, શિલ્પા સિંહે હિન્દુ ધર્મને લઇને સોશિયલ મીડિયા પર અપમાનજનક કોમેન્ટ કરી છે અને ધાર્મિક ભાવનાનો મજાક ઉડાવ્યો છે.

પ્રોફેસર શિલ્પાએ પણ કરી ફરિયાદ

તો બીજી તરફ શિલ્પા સિંહે પણ પોલીસ પાસે સુરક્ષા માંગી, તેને કહ્યું કે, તેને સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા મેસેજ આવી રહ્યાં છે અને તેના જીવને જોખમ છે તેથી તેને સુરક્ષા આપવામાં આવે. આ મામલે શિલ્પા સિંહની વિરુદ્ધ AVBPએ પણ કોલેજમાં ફરિયાદ કરી હતી, જેના પર કોલેજે કોઇપણ એક્શન લેવાનો ઇન્કાર કર્યો છે.

ABVPએ પણ કરી ફરિયાદ

ABVPએ આરોપ લગાવ્યો હતો કે પ્રોફેસર શિલ્પા સિંહ એક ધર્મ વિશેષ વિરુદ્ધ સમાજમાં નફરતના વિચાર ફેલાવી રહી છે. ABVPની માંગ હતી કે, તેમને તાત્કાલીક હટાવવામાં આવશે. ફરિયાદકર્તા રાજીવ ઝાએ કહ્યું કે, તે ABVPના કેસ વિશે જાણે છે, પરંતુ તેઓ આ પાર્ટીમાં નથી. તેમણે ફરિયાદ વ્યક્તિગત ક્ષમતાના આધારે નોંધાવી છે.

બંને પર નોંધાયો કેસ

નોર્થ ગોવાના એસપી ઉત્કૃષ્ઠ પ્રસૂનને આ મામલે કહ્યું કે, ફરિયાદના આધારે પ્રોફેસર શિલ્પા સિંહ અને રાજીવ ઝાની સામે કેસ નોંધવામાં આવ્યો છે. શિલ્પા સિંહ પર IPC કલમ 295-A (ઈરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓ ભડકાવી) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોંડાના રહેવાસી રાજીવ પર PIC કલમ 504 (શાંતિનો ભંગ કરવાને લઇને અપમાન કરવું), 506 (ગુનાહિત ધાકધમકી) અને 509 (મહિલાનું અપમાન કરવું) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. એસપી પ્રસૂને કહ્યું કે કેસની તપાસ ચાલી રહી છે.

પ્રોફેસર શિલ્પા સિંહે માંગી માફી

જો કે, પોતાના ફેસબુક પોસ્ટ પર બબાલ છેડાયા બાદ પ્રોફેસર શિલ્પા સિંહએ માફી પણ માંગી, તેણે લખ્યું કે, મારી વાતને ખોટી રીતે લેવામાં આવી, હું તે તમામ મહિલાઓની માફી માંગુ છું કે, જેમને મારી પોસ્ટથી દુ:ખ થયું. તેણે વધુમાં લખ્યું કે, બાળપણથી જ હું હમેશાં આ સવાલ વિચારતી હતી કે, લગ્ન બાદ મેરિટલ સ્ટેટસનો સિમ્બોલ માત્ર મહિલાઓ માટે કેમ જરૂરી છે. પુરૂષો માટે કેમ નહીં. આ જોઇને નિરાશ છું કે મારા વિશે ખોટા વિચાર ફેલાવવામાં આવ્યા કે હું એક અધાર્મિક અને ભગવાનથી નફરત કરનારી નાસ્તિક છું. જ્યારે આ સત્યથી દૂર છે.

(5:20 pm IST)