Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બિહારમાં પળેપળ પલટાતી સ્થિતિ : સાંજ સુધીમાં 70 ટકા મતોની ગણતરી પૂર્ણ:7 રાજદ અને 6 બેઠક ભાજપને ફાળે

ઓવૈસીની પાર્ટીએ એક બેઠક જીતી: બે બેઠક પર વિકાસ ઇન્સાન પાર્ટી અને એક પર સીપીઆઇ(એમ)નો વિજય

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. કોરોના પ્રોટોકોલને કારણે રિઝલ્ટ આવવામાં વાર થઇ રહી છે. તેમ છતાં સાંજે 6.30 વાગ્યા સુધીમાં 70 ટકા મતોની ગણતરી પૂર્ણ થઇ ગઇ હતી.એક રિપોર્ટ મુજબ કુલ 4.10 કરોડ મતોમાંથી 3 કરોડ મતોની ગણતરી થઇ ગઇ છે. જેમાં એનડીએ આગળ હતું. બપોર સુધીમાં એનડીએ 133 બેઠકો પર આગળ હતું પરંતુ પાછળના રાઉન્ડમાં તેની સરસાઇ ઘટવા માંડી હતી

પરિણામો (Bihar Result)ના રુઝાન મુજબ NDA સાંજે 6 વાગે આશરે 120 બેઠકો અને મહાગઠબંધન આશરે 115 બેઠકો પર આગળ હતા. અત્યારે NDA અને રાજદ બંને દાવા કરી રહ્યા છે. તેની પાછળનું કારણ 18 બેઠકો એવી છે, જેના પર 1000 મત કરતા પણ ઓછી સરસાઇ જોવા મળી રહી છે. જે છેલ્લી ઘડીએ ઉલટફેર કરી શકે છે.

1000 મતો કરતા પણ ઓછા માર્જીનવાળી આ બેઠકોમાંથી એનડીએ 9 અને મહાગઠબંધન 8 બેઠકો પર આગળ છે. એક બેઠક પર બસપની લીડ છે. આમ પણ સવારથી ઉલટફેર થઇ રહ્યો છે.

સવારે રુઝાનની શરુઆત થઇ તો એક્ઝિટ પોલ મુજબ મહાગઠબંધનની સરસાઇ એટલી હતી કે તે સહેલાઇથી સરકાર બનાવી લેશે તેવું લાગતું હતું. પરંતુ બપોરે આખુ પિકચર બદલાવવા લાગ્યું હતું.

સાંજે 6. 30 સુધીમાં 243માંથી 23 બેઠકોના રિઝલ્ટ બહાર પડી ગયા હતા. જ્યારે 221 પર રુઝાન હતુ. 23માંથી 6 બેઠકો ભાજપ અને 7 રાજદને ફાળ ગઇ છે. જ્યારે જદયુને 4 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી છે. ઓવૈસીની પાર્ટીએ એક બેઠક જીતી છે.

ઉપરાંત બે બેઠક પર વિકાસ ઇન્સાન પાર્ટી અને એક પર સીપીઆઇ(એમ)નો વિજય થયો છે.

(8:00 pm IST)