Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

બેન્ડવાજા બારાત

૧ મહિનામાં ૨૫ લાખ લગ્નો : બજારમાં ૩ લાખ કરોડ ઠલવાશે

નવી દિલ્હી તા. ૧૦ : આ દિવાળીએ દેશભરમાં કોરોનાનો અંધકાર દૂર કરી દીધો. બજારોમાં રોનક છવાઇ. વેપાર-ધંધાનો આ ઉલ્લાસ તહેવારો પછી પણ યથાવત રહેશે, કેમ કે આવનારા એક મહિનામાં દેશમાં નાના-મોટા કુલ ૨૫ લાખ લગ્ન થવાનો અંદાજ છે. તેના દ્વારા બજારમાં ૩ લાખ કરોડ રૂ. ઠલવાય તેવી આશા છે, જેને વેપારીઓ મોટા બોનસ તરીકે જોઇ રહ્યા છે. ૧૪ નવેમ્બરે દેવઊઠી એકાદશીના દિવસથી લગ્નગાળો શરૂ થશે, જે ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. તે પછી આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ ઘણા મુહૂર્ત છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસો.ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મેહતાએ કહ્યું કે લગ્નોમાં બે વર્ષથી સુસ્ત પડેલી માગ નીકળશે. દિલ્હીમાં જ દોઢ લાખ લગ્નો થશે અને ૫૦,૦૦૦ કરોડનો વેપાર થશે.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન આશિષ પેઠેના જણાવ્યાનુસાર આ વર્ષે કોરોના નિયંત્રિત રહેતાં તહેવારોમાં લોકોનો ઉત્સાહ પરાકાષ્ઠાએ રહ્યો. આ વર્ષે ઓકટોબર-નવેમ્બર દરમિયાન વર્ષની ૪૦% ખરીદી થવાની શકયતા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ સોનાની રિટેલ ખરીદીમાં લગ્નોની હિસ્સેદારી ૬૦થી ૬૫% હોય છે. અર્થતંત્રની ગાડી પાટા પર આવતાં ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં સોનાની માગ ૪૭% વધીને ૧૩૯.૧ ટન રહી, જે ૨૦૨૦માં ૯૪.૬ ટન હતી. લગ્નોને કારણે ઓકટો.-ડિસે. કવાર્ટરમાં માગ વધવાની શકયતા છે.

ઓલ ઇન્ડિયા ટેન્ટ ડેકોરેટર વેલ્ફેર એસો.ના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ જિંદલનું કહેવું છે કે કોરોનાને કારણે આ વર્ષે ઉનાળામાં મોટાપાયે લગ્નો મુલતવી રહ્યા હતા. તેથી નવે.-ડિસે.માં ઘણા લગ્નો થશે. તેનાથી અંદાજે ૧૫ કરોડ લોકોને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળશે. રાજસ્થાનમાં ડિસે. સુધી તમામ ૧૩ હજાર ગાર્ડન બુક થઇ ચૂકયા છે. ૧૦ હજાર હોટલ-રિસોર્ટમાં ફેબ્રુ. સુધીનું ૯૦% બુકિંગ થઇ ચૂકયું છે.

(10:19 am IST)