Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

નવી ગાઇડલાઇન્સ જારી

દિલ્હીમાં કોરોના બેફામ : 'મીની લોકડાઉન' જાહેર : બધી ખાનગી ઓફિસો બંધ : રેસ્ટોરન્ટ - બારને પણ તાળા

નવી દિલ્હી તા. ૧૧ : દિલ્હીમાં કોરોનાના વધતા સંકટને ધ્યાનમાં રાખીને આકરા નિયંત્રણો વધારી દેવામાં આવ્યા છે. હવે દિલ્હીની તમામ ખાનગી ઓફિસોને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આવ્યો છે. બધા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ આ આદેશ આપ્યો છે. અત્યારે ખાનગી ઓફિસો ૫૦% ક્ષમતાથી ચાલતી હતી અને ૫૦% સ્ટાફ ઓફિસે જતો હતો.

ડીડીએમએ વધુ કડક નિયંત્રણો લાદ્યા છે. આ આદેશ હેઠળ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાંથી હોમ ડિલિવરી અને ફૂડ આઈટમ્સ લઈ જવાની સુવિધા ઉપલબ્ધ થશે. અત્યાર સુધી રેસ્ટોરાં અને બાર પણ ૫૦% ક્ષમતા સાથે ખુલ્લા હતા. ઓફિસોની વાત કરીએ તો, આ નિયમમાંથી મુકિત અપાયેલ કેટેગરી/આવશ્યક સેવાઓની માત્ર ખાનગી ઓફિસોને જ છુટછાટ આપવામાં આવશે.

દિલ્હીમાં કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, ઓમિક્રોનથી સંક્રમણનો દર પણ બેકાબૂ બની રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર ૨૫% પર પહોંચતા દિલ્હીના લોકોની ચિંતા વધી ગઈ છે.દિલ્હીના LG અનિલ બૈજલે DDMA સાથે બેઠક કરી છે.

ડીડીએમએની બેઠક અને ચેતવણીઓ બાદ અહીં આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના રેસ્ટોરાં અને બારને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જોકે ટેક-વે પર કોઈ પ્રતિબંધ નથી. દિલ્હીનું કોરોના બુલેટિન સતત ખતરનાક વળાંક લઈ રહ્યું છે.

દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની અટકળો થઈ રહી છે. જોકે, સીએમ કેજરીવાલ સહિત દિલ્હી સરકારના નેતાઓ સતત લોકડાઉન નહીં લાગુ કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ જો ચેપનો દર આ રીતે વધે છે, તો લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે.

રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો અહીં બેસીને ખાઈ શકશે નહી. સાપ્તાહિક બજારો અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 હવે અઠવાડીયામાં એકાંતરે એક ઝોનમાં માત્ર એક જ સાપ્તાહિક બજાર ઊભું કરવાની પરવાનગી આપવામાં આવી છે. માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જયારે અગાઉ સાપ્તાહિક બજારો પર કોઈ પ્રતિબંધ ન હતો.

(3:45 pm IST)