Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

'પિતા સમાજવાદી પાર્ટીમાં જોડાયા નથી' : સ્વામી પ્રસાદ મૌર્યની દિકરી ભાજપ સાંસદ સંઘમિત્રાએ કરી સ્પષ્ટતા

સંઘમિત્રાએ કહ્યું -આગામી બે દિવસમાં પોતાની રણનીતિ વિશે તમામને માહિતગાર કરશે: પિતાએ કોઈપણ પક્ષમાં જોડાવાની સંમતિ આપી નથી.

નવી દિલ્હી : યુપીના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે સ્વામી પ્રસાદ મૌર્ય અખિલેશ યાદવના કહેવા પર સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. પરંતુ આ તમામ અટકળોને સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી અને બદાયુથી સાંસદ સંઘમિત્રાએ રદિયો આપ્યો છે.

બીજેપી સાંસદ સંઘમિત્રાએ કહ્યું કે, તેમના પિતા કોઈ પાર્ટીમાં જોડાયા નથી. તે આગામી બે દિવસમાં પોતાની રણનીતિ વિશે તમામને માહિતગાર કરશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, તેના પિતાએ કોઈપણ પક્ષમાં જોડાવાની સંમતિ આપી નથી.

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ અખિલેશ યાદવે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું છે કે, સામાજિક ન્યાય અને સમાનતા માટે લડનારા લોકપ્રિય નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને તેમની સાથે આવેલા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું સપામાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારથી તેમના સપામાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ અખિલેશ યાદવના ટ્વીટને લઈને સંઘમિત્રાએ કહ્યું કે, આ જ રીતે ભૂતકાળમાં પણ તેમના પિતાનો ફોટો વાયરલ થયો છે. તેણે કહ્યું કે, જ્યારે તેના પિતાએ 2016માં બીએસપી છોડી દીધી ત્યારે શિવપાલ યાદવે સોશિયલ મીડિયા પર તેમનો એક ફોટો મૂક્યો હતો. આ પછી, શિવપાલ સાથેના તેમના જોડાણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

(11:21 pm IST)