Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દલ્હીએ કોલકાતા સામે શાનદાર વિજય નોંધાવ્યો

બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શનથી વિજય પૃથ્વી શૉ અને વોર્નરે દિલ્હીની શાનદાર શરૂઆત અપાવી ૨૧૬ રનના ટાર્ગેટની સામે કોલકાતા ૧૭૧માં ઓલ આઉટ

નવી દિલ્હી, તા.૧૦ : દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવીને ૨૧૫ રનોનો વિશાળકાય સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી ઓપરન જોડી પૃથ્વી શૉએ ૫૧ રન તો વોર્નરે ૬૧ રન બનાવ્યા હતા. જ્યારે મિડલ ક્રમમાં અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરે પણ વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જો કે, ૨૧૬ રનોનો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે ધબડકો મારતાં એક બાદ એક વિકેટો ગુમાવી દીધી હતી. અને કોલકાતાની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૭૧ રન બનાવી ઓલઆઉટ થઈ જતાં દિલ્હીનો ૪૪ રનોથી શાનદાર વિજય થયો હતો.

૨૧૬ રનો ટાર્ગેટ ચેઝ કરવા માટે ઉતરેલી કોલકાતાની ટીમની ખુબ જ ખરાબ શરૂઆત થઈ હતી. ઓપનર અજિંક્ય રહાણે ૧૪ બોલમાં ૮ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વેંકટેશ અય્યર ૮ બોલમાં ૧ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. જો કે, કેપ્ટન શ્રેયસ અય્યરે ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ૩૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ સિક્સ ફટકારી ૫૪ રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે નીતિશ રાણાએ ૩ સિક્સની મદદથી ૨૦ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. સેમ બિંલિંગ્સ પણ ૧૫ રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. જે બાદ એક બાદ એક કોલકાતાના બેટર્સની વિકેટ પડતી જતી હતી. પેટ કમિંસ અને સુનિલ નારાયણ ૪-૪ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે ઉમેશ યાદવ ૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આંદ્રે રસેલ ક્રીઝ પર ટકી રહ્યો હતો, પણ ૧૯મી ઓવરમાં તે પણ ૨૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રસેલ બાદ રશિખ સલામ પણ આઉટ થઈ જતાં ૧૯.૪ ઓવરના અંતે કોલકાતાની ટીમ ૧૭૧ રનો પર

ઓલ આઉટ થઈ ગઈ હતી. દિલ્હી તરફથી કુલદીપ યાદવે ૪ વિકેટ તો ખલીલ અહેમદે ૩ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમની શાનદાર શરૂઆત થઈ હતી. ઓપનર પૃથ્વી શૉએ ૨૯ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૫૧ રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે ૪૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ સિક્સ ફટકારી ૬૧ રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન રિષભ પંતે ૨૭ રન તો લલિત યાદવ ૧ રન અને રોવનેમ પોવેલ ૮ રન બનાવીને આઉટ થયો હતો.જ્યારે અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી.

અક્ષરે ૧૪ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ સિક્સની મદદથી ૨૨ રને અણનમ રહ્યો હતો, જ્યારે ઠાકુર ૧૧ બોલમાં ૩ સિક્સ અને ૧ ચોગ્ગાની મદદથી ૨૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. કોલકાતા તરફથી સુનીલ નારાયણે બે વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવીને ૨૧૫ રન બનાવ્યા હતા.

કોલકાતાની ટીમઃ અજિંક્ય રહાણે, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), નીતિશ રાણા, આંદ્રે રસેલ, સુનિલ નારાયણ, પેટ કમિંસ, ઉમેશ યાદવ, રશિખ સલામ, વરુણ ચક્રવર્તી

દિલ્હીની ટીમઃ પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ.૭

(9:20 pm IST)