Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

એક છોડમાં ૧૨૬૯ ટામેટા ઉગ્‍યાં કે બની ગયો વર્લ્‍ડ રેકોર્ડ

લંડન,તા. ૧૧: દરેક વ્‍યક્‍તિ ઈચ્‍છે છે કે તેનું નામ વર્લ્‍ડ રેકોર્ડમાં સામેલ થાય. એક ખેડૂતે પોતાની મહેનતથી પોતાના નામનો એવો કરિશ્‍મા બતાવ્‍યો. તેણે ટામેટાના છોડ દ્વારા ગીનીસ વર્લ્‍ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્‍યું છે. ખરેખર, આ ખેડૂતે એક છોડમાં સૌથી વધુ ટામેટાં ઉગાડવાનો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ખેડૂતે માત્ર એક છોડમાં આટલા બધા ટામેટાં ઉગાડ્‍યા છે, જેને ગણીને તમારી હાલત બગડી જશે. આ ખેડૂતે માત્ર એક છોડમાં ૧૨૬૯ ટામેટાં ઉગાડ્‍યા છે. આ કારણે ખેડૂત અને છોડનું નામ ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડની વેબસાઈટના સમાચાર અનુસાર, યુકેના હર્ટફોર્ડશાયરના ખેડૂત ડગ્‍લાસ સ્‍મિથે આ અનોખા પરાક્રમ દ્વારા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ડગ્‍લાસ સ્‍મિથે માત્ર એક ટામેટા સ્‍ટેમમાંથી સૌથી વધુ ટામેટાં ઉગાડવાનો રેકોર્ડ તોડ્‍યો હતો. અગાઉ ગયા વર્ષ સુધી આ રેકોર્ડ ૪૮૮ ટામેટાંનો હતો. આ પછી ડગ્‍લાસે આ રેકોર્ડ તોડવાનું વિચાર્યું અને હવે આ કારનામું કર્યું છે. તેણે ગયા વર્ષે જ ૪૮૮ ટામેટાંનો રેકોર્ડ તોડ્‍યો હતો અને એક છોડમાંથી ૮૩૯ ટામેટાં પણ ઉગાડ્‍યા હતા. જો કે હવે તેણે આ રેકોર્ડ પણ તોડીને એક છોડમાંથી ૧૨૬૯ ટામેટાં ઉગાડીને દુનિયાને ચોંકાવી દીધી છે.

ડગ્‍લાસને બાગાયતમાં ખૂબ જ રસ છે. છેલ્લા ચાર વર્ષથી તે દરરોજ પોતાના બગીચામાં સમય વિતાવે છે. વિશ્વનો શ્રેષ્ઠ માળી કહેવાય તેવી તેની હૃદયપૂર્વકની ઈચ્‍છા છે. ઉલ્લેખનીય છે કે સ્‍મિથે ટામેટાના રેકોર્ડ બનાવવા માટે દ્યણા વૈજ્ઞાનિક પેપર વાંચ્‍યા હતા. આ ઉપરાંત માટીના નમૂના એકત્ર કરીને પરીક્ષણ માટે લેબમાં મોકલવા. આટલી મહેનત પછી જયારે તેનું નામ ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાયું ત્‍યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

(10:14 am IST)