Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દોસ્‍ત ! ન કર દાવો ગરીબ હોવાનો, મેં તને લીંબુ સોડા પીતા જોયો છે...

‘આઇપીઓ ભર્યા, એના કરતા લીંબુ ભરી દીધા હોત તો સારૂં' : લીંબુના ભડકે બળતા ભાવોની સાથે સોશિયલ મીડિયામાં રમૂજની લહેર

નવી દિલ્‍હી તા. ૧૧ : ઉનાળાના આરંભે જ આગઝરતી ગરમીને કારણે શહેરીજનો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા છે. ગરમીની સાથે જ પેટ્રોલ, ડીઝલ, શાકભાજીના ભડકે બળતા ભાવોને કારણે સામાન્‍ય નાગરિકોની હાલત ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે' જેવી થઇ છે. તેમાં પણ ખાસ કરીને લીંબુંના ભાવોમાં છેલ્લા દોઢ અઠવાડિયાથી જોવા મળતી તેજીને લઇને ગૃહિણીઓ વિમાસણમાં મુકાઇ ગઇ છે. સામાન્‍યપણે દર વર્ષે ઉનાળાની મોસમમાં લીંબુના ભાવ આસમાને પહોંચે છે. જોકે, આ વખતે લીંબુના ભાવો દિનપ્રતિદિન નવો રેકોર્ડ બનાવી રહ્યા છે ત્‍યારે સોશિયલ મીડિયામાં પણ કટાક્ષ સાથે રમૂજની લહેર ફેલાઇ રહી છે. વિવિધ સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર લીંબુના વધતા ભાવો સાથેના રમૂજી મેસેજ ફરી રહ્યા છે. જયારે પેટ્રોલ, ડીઝલ વચ્‍ચે ભાવની સ્‍પર્ધા ચાલતી હોય ત્‍યારે લીંબુ બન્નેને પછાડીને આગળ નીકળી ગયું હોય એવા વીડિયો પણ ફરતા થયા છે.ᅠᅠ
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજની એક ઝલક
*    હે દોસ્‍ત, ન કર દાવો ગરીબ હોવાનો,
    મેં તને જોયો છે, લીંબુવાળી સોડા પીતા..ᅠᅠ
*    બેન : ભાઇ, એક લીંબુ કેટલાનું??
    બકાલી : એક લીંબુંના ૧૫ રૂપિયા.ᅠᅠ
    બેન : ઊભા રહ્યો, હું અંદરથી દાળનું કૂકર લઇને આવું છું. એમાં ૩ રૂપિયાનું નિચોવી દયો ને..ᅠᅠ
*    છોકરાવાળા છોકરો જોવા ગયા. બધી વાતો થઇ, પણ મેળ ના પડયો.ᅠᅠ
    એવામાં છોકરીને તરસ લાગી તો પાણી પીવા ગઇ.ᅠᅠ
    એણે ફરીઝ ખોલ્‍યું કે, તરત જ લગ્નની હા પાડી દીધી. કારણ..ᅠફ્રીઝમાં લીંબુ હતા.ᅠᅠ
*    બજારમાં તો લીંબુ કરતાં સફરજન સસ્‍તા થઇ ગયા છે.
    સાલું, સમજાતું નથી કે લીંબુ સરબત પીવાનું કે સફરજનનું મિલ્‍કશેક..ᅠᅠ
*    છગન : અલ્‍યા મગન, આ પેપર વાંચી વાંચીને શું વિચારે છે?
    મગન : ભાઇ, એ વિચારું છુ કે, આઇપીઓ ભર્યા, એના કરતાં લીંબુ ભરી દીધા હોય તો સારું હતું..ᅠᅠ
*    રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ માટે ગયા વર્ષે એક ભાઇનો નંબર સેવ કર્યો હતો.
    આજે એમનો ફોન આવ્‍યો કે, લીંબુ જોઇતા હોય તો મારી જોડે મળશે.ᅠᅠ
*    રાઘવઃ મેરે પાસ ગાડી હૈં, બંગલા હૈં, બેંક બેલેન્‍સ હૈં. તેરે પાસ ક્‍યા હૈં..
    માધવ : મેરે પાસ લીંબુ હૈં
*    પેટ્રોલ અને ડીઝલ ભાવવધારા માટે રેસ લગાડતા હતા,
    લીંબુએ વચ્‍ચે આવીને બન્નેની બાજી બગાડી. રેસમાં આગળ નીકળી ગયું

 

(10:26 am IST)