Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

મતભેદોના ઢગલા વચ્‍ચે મોદી - બાઇડન મળશે

ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્‍ટ્રપતિ વચ્‍ચે આજે યોજાનારી ઓનલાઇન બેઠક તરફ સમગ્ર વિશ્‍વની નજર : રૂસ-યુક્રેન યુધ્‍ધ, દક્ષિણ એશિયા, હિંદ-પ્રશાંત ક્ષેત્ર, વૈશ્‍વિક તથા પરસ્‍પર સહયોગ સહિતની બાબતો અંગે ચર્ચા થશે

નવી દિલ્‍હી, તા.૧૧: વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્‍ટ્રપતિ જો બાયડન વચ્‍ચે આજે ઓનલાઇન બેઠક યોજાઇ રહી છે જેના તરફ સમગ્ર વિશ્‍વનું ધ્‍યાન કેન્‍દ્રિત થયુ છે. આ બેઠક દરમ્‍યાન બંને નેતાઓ વર્તમાન દ્વીપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની સાથે જ દક્ષિણ એશિયા હિન્‍દ પ્રશાંતના વર્તમાન ઘટનાક્રમ અને પરસ્‍પર હિતને સ્‍પર્શતા વૈશ્‍વિક મુદાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્‍યુ છે કે વર્ચ્‍યુઅલ બેઠક થકી બંને પક્ષ નિયમિત અને ઉચ્‍ચ સ્‍તરીય સંપર્ક જારી રાખશે જેનો હેતુ દ્વિપક્ષીય અને વૈશ્‍વિક વ્‍યૂહાત્‍મક ભાગીદારીને વધુ મજબુત કરવાની છે આજની મંત્રણા ભારત-અમેરિકા વચ્‍ચે ૨+૨ મંત્રીસ્‍તરની મંત્રણા પહેલા થઇ રહી છે. આજની બેઠક એવા સમયે થઇ રહી છે જયારે યુક્રેન પર રૂસના હુમલાને લઇને બંને દેશો વચ્‍ચે ગંભીર મતભેદો છે. ભારતે આ મામલે અમેરિકાની ઇચ્‍છા અનુસાર પગલુ નથી લીધુ.
વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે બંને નેતાઓ દક્ષિણ એશિયા, ઈન્‍ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓ પર ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને વિચારોનું આદાનપ્રદાન કરશે. વર્ચ્‍યુઅલ મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય એકંદર વૈશ્વિક વ્‍યૂહાત્‍મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્‍ય સાથે તેમની નિયમિત અને ઉચ્‍ચ સ્‍તરીય જોડાણ જાળવી રાખવામાં સક્ષમ બનાવશે.
બંને નેતાઓ વચ્‍ચેની આ બેઠક વોશિંગ્‍ટનમાં યોજાનારી ભારત-અમેરિકા ૨+૨ મંત્રી સ્‍તરીય મંત્રણા પહેલા થશે. ટુ પ્‍લસ ટુ વાટાઘાટોનું નેતૃત્‍વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના યુએસ સમકક્ષ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્‍ટિન અને વિદેશ પ્રધાન એન્‍ટની બ્‍લિંકન કરશે.
PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરશે. અમેરિકા, યુરોપિયન યુનિયન સહિત દ્યણા પશ્‍ચિમી દેશો યુક્રેન મામલે ભારતના વલણની ટીકા કરી રહ્યા છે. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે ભારતના વલણ પર નિરાશા વ્‍યક્‍ત કરી હતી અને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ચીન વાસ્‍તવિક નિયંત્રણ રેખા (LAC) પર આક્રમક વલણ અપનાવે છે, તો રશિયા ભારતની મદદ માટે નહીં આવે.
સંયુક્‍ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના બે પ્રસ્‍તાવો પર ભારતના તટસ્‍થ વલણ પર અમેરિકાએ પણ નિરાશા વ્‍યક્‍ત કરી હતી. આ સિવાય તેણે ભારતને રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત બંધ કરવા કહ્યું છે. જોકે, વિદેશ મંત્રી એસ જયશંકરે યોગ્‍ય જવાબ આપ્‍યો હતો.
અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં ચીનના દમન અને મુક્‍ત અવર-જવરને ઘટાડવાને પ્રાથમિકતા આપી રહ્યું છે. LAC પર તણાવ વચ્‍ચે ભારત ક્‍વોડનું સભ્‍ય બન્‍યું. આ મામલે અમેરિકા સહિતના ક્‍વોડ દેશોનું ભારતનું વલણ એક સમાન છે. મોદી-બિડેન બેઠકમાં આ મુદ્દા પર પણ ચર્ચા થશે.
અમેરિકા નથી ઈચ્‍છતું કે ભારત રક્ષા ખરીદીમાં રશિયાને પ્રાથમિકતા આપે. ભૂતકાળમાં ભારત અને રશિયા વચ્‍ચે S-400 મિસાઈલ સિસ્‍ટમ ડીલ પર અમેરિકાએ પણ નારાજગી વ્‍યક્‍ત કરી હતી. આવી સ્‍થિતિમાં S-400 મિસાઈલ સિસ્‍ટમ વિશે પણ વાત થઈ શકે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ વચ્‍ચેની બેઠક દ્વિ-પક્ષીય ભાગીદારીને મજબૂત બનાવશે. આ બેઠક બંને દેશો વચ્‍ચે સતત ઉચ્‍ચ સ્‍તરીય જોડાણનો માર્ગ ખોલશે. બંને નેતાઓ દક્ષિણ એશિયામાં તાજેતરના વિકાસ અને સમાન હિતના વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરશે.
આ સિવાય મોદી અને બાઇડેન કોરોના મહામારી વિશે પણ વાત કરી શકે છે. તાજેતરના દિવસોમાં, અમેરિકા અને ભારતમાં ઓમિક્રોન વેરિયન્‍ટની પ્રકૃતિ અને રસીકરણ વિશે વાત થઈ શકે છે.
આબોહવા સંકટ એક મોટી સમસ્‍યા છે. લગભગ દરેક આંતરરાષ્ટ્રીય કોન્‍ફરન્‍સમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે. બંને નેતાઓ આબોહવા સંકટનો સામનો કરવાની રીતો પર પણ ચર્ચા કરે તેવી શક્‍યતા છે.
આ સાથે, વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થાને મજબૂત કરવા અને સુરક્ષા, લોકશાહીને મજબૂત કરવા માટે એક સ્‍વતંત્ર નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્‍યવસ્‍થા જાળવી રાખવા સહિત દ્યણા મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર સહયોગની ચર્ચા થઈ શકે છે.
બંને નેતાઓ એશિયા-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કના વિકાસ અને ઉચ્‍ચ-ગુણવત્તાવાળા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકસીત કરવા પર ચાલી રહેલા સંવાદને પણ આગળ વધારશે.
બીજી બાજુ  રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે વોશિંગ્‍ટનમાં ભારત-યુએસ ૨+૨ મંત્રી સ્‍તરીય વાટાદ્યાટોમાં ભાગ લેવા માટે યુએસની રાજધાની વોશિંગ્‍ટન પહોંચ્‍યા છે. અમેરિકાના બિડેન વહીવટીતંત્ર હેઠળ આ પ્રથમ ૨+૨ મંત્રી સ્‍તરીય મંત્રણા છે. આ ૨ૅ૨ મંત્રી સ્‍તરીય સંવાદ યુક્રેન સંકટના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. વાસ્‍તવમાં, રાષ્ટ્રપતિ જો બિડેન સોમવારે વ્‍હાઇટ હાઉસથી વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાથે ડિજિટલ મીટિંગ કરશે અને આમ કરીને તેમણે ૨+૨ મંત્રી સ્‍તરની વાટાદ્યાટોનું સ્‍તર વધારવાનો સંકેત આપ્‍યો છે.
બે ભારતીય મંત્રીઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના યુએસ સમકક્ષો - યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્‍ટિન અને વિદેશ પ્રધાન એન્‍ટની બ્‍લિંકન સાથે વ્‍હાઇટ હાઉસમાં એક બેઠકમાં ભાગ લેવાના છે. દિવસની શરૂઆત થશે જયારે સિંદ્યને પેન્‍ટાગોન ખાતે ઓસ્‍ટિન દ્વારા આવકારવામાં આવશે અને બ્‍લિંકન સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટના ફોગી બોટમ હેડક્‍વાર્ટર ખાતે જયશંકર સાથે મુલાકાત કરશે.આ પછી ચારેય મંત્રી મોદી-બિડેન ડિજિટલ મીટિંગ માટે વ્‍હાઇટ હાઉસ જશે. એટલે કે જયારે અમેરિકી રાષ્ટ્રપતિ PM મોદી સાથે વર્ચ્‍યુઅલ મીટિંગ કરશે ત્‍યારે બંને દેશોના રક્ષા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓ પણ ત્‍યાં હાજર રહેશે. ૨+૨ ના સમાપન પર સંયુક્‍ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું છે. સિંહ અને જયશંકર ઓસ્‍ટિન અને બ્‍લિંકન સાથે તેને સંબોધિત કરશે.

 

(11:01 am IST)