Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

હળદર, ધાણાજીરૂ, મરચા, ગરમ મસાલામાં ૩૦ ટકા સુધીનો ભાવ વધારો

બારમાસ માટે ગરમ મસાલા ભરાવતા પરિવારો મુંઝાયા : હળદર, ધાણામાં પણ ૪૦ રૂપિયા વધ્‍યા : ચારેતરફ મોંઘવારીનો કહેર : ૨૨૦માં મળતું મરચું આ વર્ષે ૩૨૦માં મળે છે !

અમદાવાદ તા. ૧૧ : હાલમાં મરચા, ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. મધ્‍યમવર્ગ માટે આ વર્ષે બારમાસનું હળદર, ધાણા, જીરૂ, મરચું ભરવું મોટો આર્થિક બોજો લાવી દેશે. આ વર્ષે ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં મિડિયમ રેશમપટ્ટી પિસેલું મરચું ૨૨૦ રૂપિયે કિલોના ભાવે મળતું હતું જેમાં આ વર્ષે ૧૦૦ રૂપિયાનો ભારે વધારો જોવા મળી રહ્યો છે. હળદર, ધાણામાં ૪૦ રૂપિયા જેટલો વધારો છે.

મરચાના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના મતે સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજયમાંથી ૮૫ ટકા મરચાનું ઉત્‍પાદન થાય છે. ગત ડિસેમ્‍બર માસમાં ઉપરા છાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડયો, પાક નુકશાની ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા ભાવમાં વધારો થયો છે.

આ વર્ષે શિયાળો છેક હોળી સુધી ચાલ્‍યો, સામાન્‍ય રીતે શિવરાત્રિ પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે પરંતુ આ વર્ષે એવું ન બન્‍યું. ઠંડી છેક હમણા સુધી રહી, આ સ્‍થિતિમાં ઠંડક અને ઝાંકળ પડવાના કારણે ઘાણા ,જીરૂનો પાક લોચો વળી ગયો. જેના કારણે મોટા પ્રમાણમાં ઉત્‍પાદન ઘટ જોવા મળી છે. વિઘે ૧૦૦૦ કિલોના ઉત્‍પાદન સામે ફક્‍ત ૭૦૦ કિલો ઉત્‍પાદન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

મરચા અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ, ડિઝલ, સીએનજીમાં થયેલો ભાવ વધારો પણ એક કારણ છે. જોકે ખેતીમાં હવામાન એ ઉત્‍પાદન ઘટ અને ભાવ વધારા માટે મુખ્‍ય કારણ મનાય છે. બે વર્ષ પહેલા કેરળમાં ભારે વરસાદના કારણે આખુ કેરળ પાણીમાં ડૂબ્‍યું હતું ત્‍યારે ઇલાયચીના પાકને પારાવાર નુકશાની થતા તે સમયે સી ગ્રેડની ઇલાયચીનો ભાવ કિલોનો ૫૦૦૦ થઇ ગયો હતો. હાલમાં સ્‍થિતિ થાળે પડતા આ વર્ષે સી ગ્રેડની ઇલાયચીનો ભાવ ૧૦૦૦થી ૧,૧૦૦ સુધીનો જોવા મળી રહ્યો છે.

(નોંધઃ આ ભાવ પિસેલા માલનો છે, માલની ગુણવત્તા, વિસ્‍તાર મુજબ ભાવમાં વધઘટ હોઇ શકે છે)

(11:12 am IST)