Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દેકારો... ગુજરાતના શ્રધ્‍ધાળુ અમરનાથ યાત્રીઓનું રજીસ્‍ટ્રેશન સરકારની બેદરકારીના કારણે થતુ નથી!

આજથી ખુલેલી રજીસ્‍ટ્રેશન વેબસાઇટ ઉપર ગુજરાત સરકારે માન્‍ય હોસ્‍પિટલ અને ડોકટરોની યાદી જમ્‍મુ-કાશ્‍મીર :શ્રાઇન બોર્ડને મોકલી જ નથી : ગાંધીનગર હેલ્‍થ વિભાગે સ્‍વીકાર્યુ હજુ આરોગ્‍ય મંત્રીએ યાદી મંજુર કરી નથી છેલ્લા દિવસે પણ આરોગ્‍યમંત્રીએ દિવસોથી મંજુરી માટે પડેલી ફાઇલ ઉપર મત્તુ નહિ મારતા ચારેબાજુથી ભભૂકતો રોષ

રાજકોટ, તા., ૧૧: આગામી ૩૦ જુનથી શરૂ થઇ રહેલી ભગવાન ભોળાનાથ અમરનાથની યાત્રાનું ઓનલાઇન રજીસ્‍ટ્રેશન  આજથી શરૂ થયું છે ત્‍યારે ગુજરાતના શ્રધ્‍ધાળુેઓનું રજીસ્‍ટ્રેશન જ થતું ન હોવાથી દેકારો મચી ગયો છે. આની પાછળ ગુજરાત સરકારના આરોગ્‍ય મંત્રીની ભયંકર બેદરકારી હોવાનું બહાર આવતા  ખળભળાટ મચી ગયો છે. રજીસ્‍ટ્રેશન માટે જરૂરી હેલ્‍થ સર્ટીફીકેટ માટેની માન્‍ય હોસ્‍પીટલો અને ડોકટર્સનું લીસ્‍ટ આજ દિવસ સુધી આરોગ્‍ય મંત્રીના ટેબલ ઉપર પેન્‍ડીંગ પડયું હોવાથી આ દુવિધા સર્જાઇ છે. જો તાકીદે આ પ્રશ્નનું નિરાકરણ આરોગ્‍ય મંત્રી નહિ કરે તો ગુજરાતભરના શ્રધ્‍ધાળુઓનો આક્રોશનો ભોગ સરકારને બનવુ પડે તેવા સંજોગો સર્જાયા છે.

ભગવાન અમરનાથની યાત્રા એક ડઝનથી વધુ વખત કરી ચુકેલા ગોંડલના એક શ્રધ્‍ધાળુ યાત્રામાં જવા ઇચ્‍છતા લોકોની મદદ કરે છે. પોતે ઓનલાઇન ફોર્મ ભરી દેવા ઉપરાંત યાત્રા સંબંધી માહિતી આપી યાત્રાળુઓની યાત્રા સરળ બનાવવા નિમિત બને છે. આજે જયારે આ સેવાભાવીએ ઓનલાઇન રજીસ્‍ટ્રેશન ફોર્મ ભરવા માટે સાઇટ ખોલી ત્‍યારે માન્‍ય હેલ્‍થ સર્ટીફીકેટ માટેની હોસ્‍પીટલો અને તબીબોની યાદી નહિ ખુલતા જમ્‍મુ-કાશ્‍મીર શ્રાઇન બોર્ડનો સંપર્ક સાધ્‍યો હતો. ત્‍યાંના જવાબદાર અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, અમે ગુજરાત સરકારને અનેક વખત યાદી આપી પરંતુ હજુ સુધી માન્‍ય હેલ્‍થ સેન્‍ટરોની યાદી અમને મોકલી નથી !

આ બાબતે રાજય આરોગ્‍ય વિભાગના અધિકારીનો સંપર્ક સાધતા તેમણે આ વાત સ્‍વીકારી હતી. તેમણે કહયું હતું કે, ઘણા દિવસોથી સંબંધીત યાદી આરોગ્‍ય મંત્રી શ્રીને મંજુરી માટે મોકલી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી આ યાદી ઉપર મત્તુ મરાયું નથી. આજે પણ અમે મંત્રીશ્રીના જવાબદાર અધિકારીને આ ફાઇલ તુરંત કલીયર કરવા  યાદી આપી છે.

ઉપરોકત બાબત આરોગ્‍ય મંત્રી અને સરકારની ઘોર બેદરકારી દર્શાવે છે. હિન્‍દુવાદી સરકાર જ દુનિયાભરના હિન્‍દુઓ માટે શ્રધ્‍ધાના શીર મોર સ્‍થાન સમા અમરનાથ ધામની યાત્રા માટે ગુન્‍હાહીત બેદરકારી રાખે તે મુદ્દો ભારોભાર વખોડવાપાત્ર છે.

(1:52 pm IST)