Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

એક પછી એક સરકારી ટ્‍વિટર અકાઉન્‍ટ હેકર્સના ટાર્ગેટ પર! UP CMO બાદ હવે પંજાબ કોંગ્રેસ અને યુપી સરકારનું અકાઉન્‍ટ હેક

ભારતીય ટવિટર હેન્‍ડલ્‍સ હેકર્સના નિશાના પર

લખનૌ, તા.૧૧: યુપીના CMO ઓફિસનું ઓફિશિયલ ટ્‍વિટર એકાઉન્‍ટ હેક કર્યા બાદ હવે પંજાબ કોંગ્રેસ અને યુપી સરકારનું ઓફિશિયલ ટ્‍વિટર એકાઉન્‍ટ @UPGovt પણ હેક કરાયું છે
હેકર્સ સતત ભારતીય ટ્‍વિટર હેન્‍ડલ્‍સને ટાર્ગેટ કરી રહ્યાં છે. ત્‍યારે હેકર્સે હવે પંજાબ કોંગ્રેસના સત્તાવાર ટ્‍વિટર હેન્‍ડલને હેક કરી લીધું છે. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશ સરકારનું ઓફિશિયલ ટ્‍વિટર એકાઉન્‍ટ @UPGovt પણ હેક કરીને તેની પર વિચિત્ર પોસ્‍ટ શેર કરાઇ છે. એક બાદ એક અનેક ટ્‍વિટ કરીને અનેક લોકોને ટેગ કરવામાં આવ્‍યા છે. જો કે, હાલમાં ટ્‍વિટર હેન્‍ડલની કોઇ જ રિકવરી નથી થઇ શકી.ઉત્તરપ્રદેશ સરકારના ઓફિશિયલ ટ્‍વિટર એકાઉન્‍ટ સિવાય ઉત્તરપ્રદેશ સૂચના વિભાગના ફેક્‍ટ ચેક ઇંફો @InfoUPFactCheck ટ્‍વિટર હેન્‍ડલને પણ હેક કરી લેવાયું છે. તેની પર પણ @UPGovt ની જેમ અનેક લોકોને ટેગ કરીને ટ્‍વિટ કરવામાં આવી રહ્યાં છે. જો કે, હેકરે હજુ સુધી કોઇ પણ મેસેજ પોસ્‍ટ નથી કર્યો. તે માત્ર લોકોને જ ટેગ કરી રહ્યો છે.
આ સાથે પંજાબ કોંગ્રેસના હેન્‍ડલની ડીપી અને બેકગ્રાઉન્‍ડ પિક્‍ચર બદલવા ઉપરાંત હેકરે સેંકડો યુઝર્સને ટેગ કરીને અનેક ટ્‍વીટ્‍સ કર્યા છે તેમજ  હેકર્સે પંજાબ કોંગ્રેસના ટ્‍વિટર હેન્‍ડલ પર પાર્ટીના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની તસવીર પણ પોસ્‍ટ કરી છે. રાહુલ ગાંધીની તસવીર પોસ્‍ટ કરતા હેકર્સે કેપ્‍શનમાં લખ્‍યું છે, ‘સચ ભારત.'
એકાઉન્‍ટે ટ્‍વિટ કર્યું કે, “Beanz સત્તાવાર સંગ્રહની જાહેરાતની ઉજવણીના ભાગરૂપે અમે આગામી ૨૪ કલાક માટે સમુદાયના તમામ સક્રિય NFT વેપારીઓ માટે એક એરડ્રોપ ખોલી છે. કોંગ્રેસ તેને વહેલામાં વહેલી તકે પુનઃસ્‍થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
માત્ર ૭૨ કલાકની અંદર હેકર્સે ભારતના ચોથા પ્રખ્‍યાત ટ્‍વિટર હેન્‍ડલને ટાર્ગેટ કર્યું છે. અગાઉ હેકર્સે ૧૦ એપ્રિલે યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન (UGC) ભારત અને ૯ એપ્રિલે ઉત્તર પ્રદેશના CMO અને ભારતીય હવામાન વિભાગના ટ્‍વિટર હેન્‍ડલને ટાર્ગેટ કર્યું હતું.
હવામાન વિભાગનું એકાઉન્‍ટ હેક કર્યા બાદ હેકર્સે પોતાના પર NFT ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આમાં પણ એક ટ્‍વિટ પિન કરવામાં આવ્‍યું હતું, જે કેટલાંક NFT ટ્રેડિંગ સાથે સંબંધિત હતું. પહેલાં એકાઉન્‍ટનો પ્રોફાઈલ ફોટો બદલવામાં આવ્‍યો હતો પરંતુ બાદમાં ફોટો હટાવી દેવાયો હતો. હવામાન ખાતાને એકાઉન્‍ટ પરત લેવામાં અંદાજે બે કલાક જેટલો સમય લાગ્‍યો હતો.
આવું પહેલી વાર નથી થયું કે આ પ્રકારનું ટ્‍વિટર એકાઉન્‍ટ હેક થયું હોય. આ પહેલાં શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના સીએમઓનું ટ્‍વિટર એકાઉન્‍ટ પણ થોડા સમય માટે હેક થયું હતું. બાદમાં તેને તરત જ પુનઃશરૂ કરી દેવાયું હતું. ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે કહ્યું હતું કે, રાજયના મુખ્‍યમંત્રી કાર્યાલય (CMO) ના સત્તાવાર ટ્‍વિટર હેન્‍ડલને હેક કરવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજય સરકારે ટ્‍વિટ કર્યું હતું કે, ‘અસામાજિક તત્‍વો દ્વારા ૯ એપ્રિલે સવારે ૧૨:૩૦ વાગ્‍યે મુખ્‍યમંત્રી કાર્યાલય, સીએમઓ ઓફિસ, યુપીના સત્તાવાર ટ્‍વિટર એકાઉન્‍ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. તેના દ્વારા કેટલાંક ટ્‍વિટ્‍સ પણ પોસ્‍ટ કરવામાં આવ્‍યા હતા કે જે તરત જ રિકવર કરવામાં આવ્‍યા હતા. યોગી આદિત્‍યનાથ સરકારે કહ્યું હતું કે, હેકિંગ માટે જવાબદાર લોકોને શોધવા માટે તેઓએ સાયબર નિષ્‍ણાંતોની મદદ લીધી છે અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેશની ઉચ્‍ચ શિક્ષણ પ્રણાલીમાં મહત્‍વનું સ્‍થાન ધરાવતી યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન (UGC) ની વેબસાઈટ પર સાયબર એટેક કરાયો હતો. હેકર્સે UGCનું ઓફિશિયલ ટ્‍વિટર હેન્‍ડલ હેક કર્યું છે. ટ્‍વિટર એકાઉન્‍ટ હેક થયા બાદ યુજીસીના મુખ્‍ય પેજ પરથી યુજીસીનો લોગો પણ હટાવી દેવામાં આવ્‍યો હતો. આ સાથે યુજીસીના ટ્‍વિટર હેન્‍ડલના મુખ્‍ય પેજ પર ક્રિપ્‍ટો, એનએફટી રોકાણ વગેરે વિશે પણ લખવામાં આવ્‍યું હતું.

 

(3:11 pm IST)