Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દેવઘર રોપવે દુર્ઘટનાઃ ૪૮ લોકો હજુ પણ ફસાયા, ૨ના મોતઃ હેલિકોપ્‍ટર દ્વારા રેસ્‍ક્‍યુનો પ્રયાસ

ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીઓ પર રવિવારે અનેક રોપ-વે ટ્રોલીઓ અથડાઈ હતી

દેવઘર, તા.૧૧: ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પહાડીઓ પર રવિવારે અનેક રોપ-વે ટ્રોલીઓ અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને ગઈકાલની દુર્ઘટના પછી પણ સોમવારે બપોર સુધીમાં ઓછામાં ઓછી ૧૨ કેબિનોમાં ૪૮ લોકો ફસાયેલા છે, તેમને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ઘાયલોને સારવાર માટે દેવદ્યર સદર હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યા છે. એક અધિકારીએ જણાવ્‍યું કે, આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હોવાનું જણાય છે, જેના કારણે કેબલ કારોની ટક્કર થઈ હતી.
NDRFની ટીમ લોકોને બચાવવા માટે રેસ્‍ક્‍યુ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને પણ મદદ માટે બોલાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી લોકોને સુરક્ષિત પરત લાવી શકાયા નથી. બચાવ અભિયાનમાં વાયુસેનાના બે હેલિકોપ્‍ટર પણ તૈનાત કરવામાં આવ્‍યા છે, પરંતુ તારોને લીધે હેલિકોપ્‍ટરથી ટ્રોલી સુધી પહોંચવામાં મુશ્‍કેલી પડી રહી છે.
બીજી બાજુ, અકસ્‍માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર, ઘટના બાદ કેબલ કારમાંથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પતિ-પત્‍ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ઉપરાંત બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સની એક ટીમ ઘટનાસ્‍થળે તૈનાત કરવામાં આવી છે. જયારે સ્‍થાનિક લોકો પણ એનડીઆરએફને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.

 

(3:20 pm IST)