Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ભારતમાં આઈફોન-૧૩નું ઉત્‍પાદન શરૂ કરી-દેવાયું છેઃ એપલ

મુંબઈઃ ટેક્‍નોલોજી ચીજવસ્‍તુઓના ઉત્‍પાદનનું જાગતિક કેન્‍દ્ર બનવાનું ભારતનું સપનું સાકાર થવાની દિશામાં મોટું બળ પ્રાપ્ત થયું છે. આઈફોન શ્રેણીના પ્રીમિયમ સ્‍માર્ટફોનનું ઉત્‍પાદન કરતી અમેરિકાની ટેક્‍નોલોજી કંપની એપલએ અહેવાલોને સમર્થન આપતાં કહ્યું છે કે તેણે એના ટોપ-સેલિંગ આઈફોન-૧૩ સ્‍માર્ટફોનનું ભારતમાં ઉત્‍પાદન કરવાનું શરૂ કરી દીધું છે. એપલે ભારતમાં તેના આઈફોનના ઉત્‍પાદનની શરૂઆત ૨૦૧૭માં કરી હતી. એણે આઈફોન-SE સાથે તે શરૂઆત કરી હતી. હવે કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે આઈફોન-13નું ભારતમાં ઉત્‍પાદન કરવાનું શરૂ કરી દીધું છે. અમે અમારાં સ્‍થાનિક ગ્રાહકો માટે ભારતમાં જ આઈફોન-૧૩નું ઉત્‍પાદન શરૂ કર્યું છે.
વર્ષ ૨૦૨૨માં ભારતમાં એપલ આઈફોનની આયાતનો આંક ૭૦ લાખ પર પહોંચવાની આશા રખાય છે, જે સાથે ભારતમાં સ્‍માર્ટફોનની માર્કેટમાં એપલનો હિસ્‍સો વધીને ૫.૫ ટકા થશે. હાલ અમેરિકાના ગ્રાહકોની સાથે જ ભારતમાંના ગ્રાહકોને  પણ આઈફોન-૧૩ ઉપલબ્‍ધ કરાય છે. એપલે ભારતમાં તેના બિઝનેસની શરૂઆત ૨૦ વર્ષ પહેલાં કરી હતી. કંપનીએ ભારતમાં તેનો પહેલો ઓનલાઈન સ્‍ટોર ૨૦૨૦ના સપ્‍ટેમ્‍બરમાં શરૂ કર્યો હતો. હવે ટૂંક સમયમાં જ એ પોતાનો રીટેલ સ્‍ટોર પણ શરૂ કરવાની છે. આ વર્ષની ૧૫મી ઓગસ્‍ટે પોતાનો પહેલો રીટેલ સ્‍ટોર મુંબઈમાં (બાન્‍દ્રા-કુર્લા કોમ્‍પલેક્‍સમાં) શરૂ કરશે અને ત્‍યારબાદ બીજો સ્‍ટોર દિલ્‍હીમાં શરૂ કરશે એવી ધારણા છે

 

(3:21 pm IST)