Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

શાહબાઝ પાક.ના વડાપ્રધાન બને તે માટે એક ગામમાં પ્રાર્થના કરાઈ

આઝાદી પહેલાં શાહબાઝનો પરિવાર પાક. જતો રહ્યો હતો ઃ અમૃતસરમાં જાતિ ઉમરા ગામના ગુરુદ્વારામાં પ્રાર્થના ચાલી રહી છે, આ ગામ શાહબાઝ શરીફનું પૈતૃક ગામ છે

અમૃતસર, તા.૧૧ ઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ શાહબાઝ શરીફ છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બને તે માટે ભારતના એક ગામમાં પ્રાર્થના ચાલી રહી છે. તમને આ વાત ચોંકાવનારી લાગશે, પરંતુ આ હકીકત છે. પંજાબ રાજ્યના અમૃતસરમાં આવેલા જાતિ ઉમરા ગામના ગુરુદ્વારામાં પ્રાર્થના ચાલી રહી છે. આ ગામ શાહબાઝ શરીફનું પૈતૃક ગામ છે.

ઉલ્લેખનીય છે કે શાહબાઝ શરીફનો પરિવાર આઝાદી પહેલા પાકિસ્તાન જતો રહ્યો હતો, પરંતુ તેઓ હંમેશા સ્થાનિક લોકોના સંપર્કમાં રહ્યા હતા. આટલુ જ નહીં, તેમણે અહીંના લોકોને ખાડી દેશોમાં નોકરી મેળવવામાં મદદ પણ કરી હતી. શાહબાઝ શરીફના પરિવારે દુબઈમાં પોતાના કારખાનામાં જાતિ ઉમરા ગામના અનેક લોકોને નોકરી અપાવી છે.

અહીંના સ્થાનિક ડોક્ટર દિલબાગ સિંહ જણાવે છે કે, પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી નિષ્કાસિત કર્યાના થોડા કલાકો પછી ગામના લોકો ગુરુદ્વારા કલગીધર સાહિબમાં એકઠા થયા હતા. આ ગુરુદ્વારા જે જમીન પર બનાવવામાં આવ્યો છે, તે જમીન એક સમયે શાહબાઝ શરીફના પરિવારની હતી. ગુરુદ્વારામાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી. દિલબાગ સિંહે જણાવ્યુ કે તેમના પિતા સ્વર્ગસ્થ મસ્સા સિંહ શાહબાઝના પિતા મિયાં મોહમ્મદ શરીફના મિત્ર હતા.

ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફે વિપક્ષ તરફથી ઈમરાન ખાનની સરકારને દૂર કરવાના પ્રયાસનું નેતૃત્વ કર્યુ હતું. સોમવારના રોજ પાકિસ્તાનમાં વોટિંગ થશે અને શક્યતા છે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનશે. દિલબાગે જણાવ્યું કે, શાહબાઝ શરીફનો પરિવાર ૧૯૩૨માં પાકિસ્તાન જતો રહ્યો હતો. નવાઝ શરીફનો જન્મ ૧૯૪૯માં અને શાહબાઝ શરીફનો જન્મ ૧૯૫૧માં થયો હતો.

દિલબાગ આગળ જણાવે છે કે શાહબાઝ શરીફ ૨૦૧૩માં અહીં આવ્યા હતા જ્યારે અમે બે વાર લાહોરમાં તેમના ઘરે ગયા હતા. ૧૯૬૪માં તે તેમના પિતા સાથે ગામ આવ્યા હતા, તેના ૪૯ વર્ષ પછી તે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી રહ્યા. ૨૦૧૩માં તેઓ ફરી જાતિ ઉમરા ગામ આવ્યા હતા. તે સમયે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે શાહબાઝ શરીફનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું. આ મુલાકાત પહેલા તેમણે ગામના મેકઓવરનો આદેશ આપ્યો હતો અને ૩.૫ કરોડ રુપિયાની પરિયોજનાઓને મંજૂરી આપી હતી.

 

(8:47 pm IST)