Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનું એજ્યુકેશન મોડલ એ છે કે શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં નથી શૌચાલય કે શાળાઓમાં બેસવા માટે બેન્ચ - દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે "ગુજરાતની સરકારી શાળાઓની આ દુર્દશા જોઈને ખૂબ જ દુઃખ થાય છે."

મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતની સરકારી શાળા વ્યવસ્થાને વિશ્વ કક્ષાની ગણાવનાર ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિધાનસભામાં સરકારી શાળાઓની હાલત જ ખરાબ છે ત્યારે બાકીના ગુજરાતની સરકારી શાળાઓની હાલત કફોડી જ હશે - ભાજપ સરકારે ગાંધીજી અને પટેલની જન્મભૂમિ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની મજાક ન કરવી જોઈએ : મનીષ સિસોદિયાએ ભાવનગરની 2 સરકારી શાળાઓની મુલાકાત લીધી

ભાવનગર તા.૧૧ : સત્તાના ઘમંડમાં કચડાયેલી ગુજરાત ભાજપના શિક્ષણ મોડલને ઉજાગર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના વિધાનસભા મત વિસ્તાર ભાવનગરની બે સરકારી શાળાની મુલાકાત લઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ઉજાગર કરી હતી. મનીષ સિસોદિયાની ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાતની જાહેરાત બાદ ભાવનગરના વહીવટીતંત્રમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. પ્રવાસ પહેલા ભાવનગર પ્રશાસન સરકારી શાળાઓમાંથી કરોળિયાના જાળા હટાવવા અને અન્ય જગ્યાએથી શિક્ષકોને લાવવામાં વ્યસ્ત હતું તેમ શ્રી સિસોદિયાએ જણાવેલ. 

શાળાઓની મુલાકાત લીધા બાદ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનું એજ્યુકેશન મોડલ એ છે કે શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં નથી શૌચાલય કે શાળાઓમાં બેસવા માટે બેન્ચ પણ નથી. ગુજરાતની સરકારી શાળા વ્યવસ્થાને વિશ્વ કક્ષાની ગણાવનાર ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની વિધાનસભામાં સરકારી શાળાઓની જ હાલત ખરાબ છે ત્યારે બાકીના ગુજરાતની સરકારી શાળાઓની હાલત કફોડી જ હશે. તેમણે કહ્યું કે, ગાંધીજી અને પટેલની જન્મભૂમિ ગુજરાતમાં ભાજપ સરકારે શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડાવવી જોઈએ નહીં. ભાજપે પોતાની ભૂલો સમજવી જોઈએ અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે કામ કરવું જોઈએ. અન્યથા આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા શિક્ષણ પર કામ કરતી સરકારને ચૂંટશે.

આ પ્રસંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રી કે જેઓ ડિંગાઈઓ  મારતા હતા કે તેમની ભાજપ સરકારે ગુજરાતની સરકારી શાળાઓને ભવ્ય બનાવી છે. તેઓ ઘમંડમાં કહેતા હતા કે જેમને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેમણે દિલ્હી જતું રહેવું જોઈએ. આજે હું વ્યક્તિગત રીતે તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવ્યો હતો અને અહીંની સરકારી શાળાઓની મુલાકાત લીધી છે. મને લાગતું હતું કે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે ગુજરાતની સરકારી શાળાઓને તેજસ્વી બનાવી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. શાળાના બાળકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.

સિસોદિયાએ કહ્યું કે જ્યારે ગુજરાતના શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રની શાળાઓની હાલત આટલી ખરાબ છે તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત કેવી હશે? અહીંની શાળાઓમાં, બાળકોને કરોળિયાના જાળાથી ઢંકાયેલા વર્ગોમાં અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવે છે. છત અને દિવાલો જર્જરિત હાલતમાં છે. ભાવનગરનું સમગ્ર વહીવટીતંત્ર છેલ્લા 2 દિવસથી શાળાની સફાઈમાં વ્યસ્ત છે પરંતુ તેમ છતાં શાળાઓમાં ગંદકી જોવા મળી રહી છે. બાળકો જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબૂર છે અને ડર એટલો છે કે મારી મુલાકાત પહેલા શાળામાં 4 સ્માર્ટ બોર્ડ લટકાવવામાં આવ્યા હતા.

સિસોદિયાએ કહ્યું કે ભાજપના લોકોએ શિક્ષણની મજાક ન કરવી જોઈએ. શાળાઓમાં માત્ર ચાર સ્માર્ટ બોર્ડ લટકાવવાથી શિક્ષણ વ્યવસ્થા સુધરતી નથી. તેમણે કહ્યું કે ગુજરાત ગાંધીજી અને સરદાર પટેલ જેવી મહાન હસ્તીઓની ભૂમિ છે. શરમજનક છે કે અહીં ભાજપ 27 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ શિક્ષણ વ્યવસ્થા જર્જરિત છે.

આ અવસર પર આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે ગુજરાતની સરકારી શાળાઓની આ દુર્દશા જોઈને ખૂબ જ દુઃખ થાય છે. દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ આપણે સારા શિક્ષણની વ્યવસ્થા નથી કરી શક્યા, શા માટે? દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ નહીં મળે, તો ભારત કેવી રીતે પ્રગતિ કરશે? ચાલો આપણે સંકલ્પ લઈએ કે દરેક બાળકને સારું શિક્ષણ મળવું જોઈએ, આ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું.

(11:03 pm IST)