Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

જમ્‍મુ-કામીશ્‍નરમાં સુરક્ષા દળોને જબરી સફળતા સાંપડી છે: ફુલ ગામના ખુર્બતપુરા વિસ્‍તારોમાં એન્‍કાઉન્‍ટમાં બે આતંકવાદીને ઠાક માર્યા

બે પોલીસ કર્મી પણ ઘાયલ

નવી દિલ્‍હી :  જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કુલગામના ખુર્બતપુરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની સહિત બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે આ માહિતી આપી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની માહિતીને પગલે સુરક્ષા દળોએ ખુર્બતપુરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના પછી જવાબી કાર્યવાહીમાં ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

આ પહેલા રવિવારે શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 4 એપ્રિલે સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાના દિવસથી પોલીસ બે પાકિસ્તાની આતંકવાદીઓની શોધમાં હતી અને રવિવારે તેમના ઠેકાણા મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. બંને એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા. બેની ઓળખ મોહમ્મદ ભાઈ ઉર્ફે અબુ કાસિમ ઉર્ફે મીર શોએબ ઉર્ફે મુદાસિર અને અબુ અરસલાન ઉર્ફે ખાલિદ ઉર્ફે આદિલ તરીકે થઈ હતી.

પોલીસ રેકોર્ડ મુજબ માર્યા ગયેલા બંને આતંકીઓને ‘A’ કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા અને બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. મોહમ્મદભાઈ 2019 થી સક્રિય હતા, જ્યારે અબુ અર્સલાન 2021 થી મધ્ય કાશ્મીરમાં સક્રિય હતો.

(11:33 pm IST)