Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

પે લેટરનો ઉપયોગ કરતા ICICI બેંક હવે સર્વિસ ચાર્જ વસુલશે : એપ્રિલના સ્‍ટેટમેન્‍ટથી બેંક સર્વિ ચાર્જ વસુલશે : ગ્રાહકોને મોટો ઝટકો

નવી દિલ્હી : આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) ના ગ્રાહકને આ સમાચાર પરેશાન કરી શકે છે. આઈસીઆઈસીઆઈ પે લેટર (ICICI Pay Later) નો ઉપયોગ કરતા ગ્રાહકોએ હવેથી સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જ (Service Charge) એપ્રિલ 2022 ના સ્ટેટમેન્ટથી લાગુ થશે. અત્યાર સુધી આ સેવાનો ઉપયોગ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો ન હતો.

જો તમારું ખાતું આઈસીઆઈસીઆઈ પે લેટર (ICICI Pay Later) માં છે, તો પછી એપ્રિલ મહિનાથી વસૂલવામાં આવનાર સર્વિસ ચાર્જ વિશે જાણો.
આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આઈસીઆઈસીઆઈ પે લેટર નો ઉપયોગ કરનારા ગ્રાહકોએ 1000 રૂપિયાથી વધુના માસિક ખર્ચ પર સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. 1001 રૂપિયાથી 3000 રૂપિયા સુધીના ખર્ચ માટે 100 રૂપિયા (+ ટેક્સ) નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. 3001 રૂપિયાથી 6000 રૂપિયા સુધીના ખર્ચ માટે 200 રૂપિયાનો સર્વિસ ચાર્જ (+ ટેક્સ) ચૂકવવો પડશે. જ્યારે રૂ. 6001 થી રૂ. 9000 સુધીના ખર્ચ પર ટેક્સ ઉપરાંત રૂ. 300 નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ રીતે ખર્ચવામાં આવેલા દરેક રૂ. 3000 માટે રૂ. 100નો સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવશે. રાહતની વાત એ છે કે 1000 રૂપિયા સુધીના ખર્ચ માટે કોઈ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

14 ફેબ્રુઆરી, 2022 થી ICICI પે લેટર સેવાને સક્રિય કરવા માટે 500 રૂપિયા (+ ટેક્સ) નો વન ટાઇમ એક્ટિવેશન ચાર્જ પણ વસૂલવામાં આવે છે. આ ચાર્જ વેલ્થ અને GPC ઇન્કમ સેગમેન્ટ માટે માફ કરવામાં આવ્યો છે.

આઈસીઆઈસીઆઈ પે લેટર એકાઉન્ટ (ICICI Pay Later Account) એ એક પ્રકારની ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. આ સેવા હેઠળ તમે પહેલા ખર્ચ કરી શકો છો અને પછી ચૂકવણી કરી શકો છો. આ માટે બેંક તેના ગ્રાહકોને 30-45 દિવસની અવધિ માટે વ્યાજ મુક્ત ક્રેડિટ સેવા પ્રદાન કરી રહી છે.

આ સેવા આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. તમે આઈસીઆઈસીઆઈ ની iMobile એપ, Pockets app અથવા ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ સેવાને સક્રિય કરી શકો છો. એકવાર આ એકાઉન્ટ એક્ટિવેટ થઈ જાય, પછી તમને pl.mobilenumber@icici પર યૂપીઆઈ આઈડી અને પે લેટર એકાઉન્ટ નંબર મળશે. ખાસ વાત એ છે કે UPI સિવાય આ ક્રેડિટ સર્વિસનો ઉપયોગ નેટબેંકિંગ દ્વારા પણ કરી શકાય છે.

આઈસીઆઈસીઆઈ પે લેટરના વપરાશકર્તાઓ તેમની આસપાસની કરિયાણાની દુકાનો પર પણ તેના દ્વારા ખરીદી કરી શકે છે. તમે વેપારીને યૂપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન (UPI QR Code) કરીને ચુકવણી કરી શકો છો. UPI અથવા આઈસીઆઈસીઆઈ ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી સ્વીકારનારા તમામ ઓનલાઈન વેપારીઓને પે લેટર એકાઉન્ટ દ્વારા ચૂકવણી કરી શકાય છે. જોકે તમે પે લેટર એકાઉન્ટ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી અથવા પર્સન ટુ પર્સન (P2P) ફંડ ટ્રાન્સફર કરી શકતા નથી.

(11:34 pm IST)