Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આર્થિક તંગી આખો પરિવાર ભરખી ગઈ ! પહેલા પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

પુણેમાં હત્યા અને આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે : ઘરના મોભીએ પહેલા પત્ની અને દોઢ વર્ષના માસૂમની તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બાદમાં ઘરની છતના પંખા સાથે ફંદો લગાવીને ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી

પુણે,તા.૧૧: મહારાષ્ટ્રના પુણેમાં હત્યા અને આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યકિત પોતાની પત્ની અને બાળકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આખો પરિવાર જોતજોતામાં ખત્મ થઈ જવાના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

લોની કલાભોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. જયાં ૩૮ વર્ષીય એક વ્યકિતએ પોતાની પત્ની અને દોઢ વર્ષના માસૂમ પુત્ર સાથે રહેતો હતો. પોલીસ પ્રમાણે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરીને સનસનીખેસ ખુલાસોથોય હતો.

લોની કલાભોર પોલીસે જાણવા મળ્યું કે ઘરના મોભીએ પહેલા પત્ની અને દોઢ વર્ષના માસૂની તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને બાદમાં ઘરની છતના પંખા સાથે ફંદો લગાવીને ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે વ્યકિત છેલ્લા કેટલાય મહિનાઓથી બેકાર હતો અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. કોરોના મહામારીના કારણે મુશ્કેલીઓ વધી ગઈ હતી. એટલા માટે તેણે ખૌફનાક પગલું ભર્યું હતું. પોલીસે ત્રણેયની લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન સહિત કેટલાક રાજયોમાં લોકડાઉન આપવામાં આવેલું છે. તો કેટલાક રાજયોમા આંશિક લોકડાઉન આપીને કોરોના સામે લડાઈ લડાઈ રહી છે. પરંતુ આ લોકડાઉનના કારણે અનેક પરિવારો આર્થિક તંગીમાં સપડાયા છે અને કેટલાક લોકો આત્મહત્યા જેવું પગલું પણ ભરી રહ્યા છે.

(11:11 am IST)