Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કેન્‍દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓ અને વ્‍યકિતઓને સરળતાથી લોન મળી શકે તે માટે લોન પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારી

નવી દિલ્હી: જો તમે ઓટો રિક્ષા ચલાવતા હોવ, કરિયાણા સ્ટોર હોય કે પછી કોઈ નાનો મોટો વેપાર કરતા હોવ, કોરોનાના કારણે તમારી રોજીરોટી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે તો સરકારે તમારી પરેશાની સાંભળી લીધી છે. સૂત્રોના હવાલે મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ સરકાર નાના વેપારીઓ અને વ્યક્તિઓને સરળતાથી લોન મળી શકે તે માટે લોન પ્રક્રિયાને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. સરકારે માટે સોશિયલ માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા લોન પ્રક્રિયાને ઝડપી અને ખુબ સરળ કરી શકાશે. નાણાકીય સંસ્થાની રચનાને લઈને નીતિ આયોગની એક બેઠક 13 ઓગસ્ટે થવાની છે.   બેઠકમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત, MSMEના અધિકારી અને IIT દિલ્હીના પ્રોફેસર પણ ભાગ લેશે. બેઠકમાં નવી નાણાકીય સંસ્થાની રૂપરેખાને લઈને ચર્ચા થશે.

કોને થશે ફાયદો?

સરકારની પહેલનો ફાયદો નાના વેપારીઓ, કરિયાણા સ્ટોર ચલાવનારા, ગામડામાં મહિલા બચત સંગઠનોને થશે. ઉપરાંત વ્યક્તિગત રીતે પણ લોન અપાશે જેમ કે ઓટો રિક્ષા ચાલકો, મિકેનિક, ઈલેક્ટ્રિશિયન વગેરે પણ સ્કિમનો ફાયદો ઉઠાવી શકશે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર તે લોકોને પણ વધારાનો ફાયદો આપશે જે સમય કરતા પહેલા પોતાની લોન ચૂકવશે. જે લોકો નાણાકીય સંસ્થામાં પૈસા જમા કરાવશે તેમને વ્યાજદરમાં રાહત આપવાનો પણ પ્રસ્તાવ છે.

કેટલી અને ક્યારે મળશે લોન?

સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર પહેલ દ્વારા જરૂરિયાતવાળા લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવશે. જે પણ વ્યક્તિ કે વેપારી લોન લેવા માંગશે તેમણે અરજી કરવી પડશે. અરજી કર્યાના ત્રણ દિવસ બાદ લોનની રકમ તેના ખાતામાં નાખવામાં આવશે. હકીકતમાં સરકાર નવી પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંકટના કારણે પેદા થયેલા સંકટને પહોંચી વળવા માંગે છે. જેને ધ્યાનમાં રાખીને યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. જેથી કરીને વધુમાં વધુ લોકો તેનો ફાયદો ઉઠાવી શકે. લોન લેવાની પ્રક્રિયામાં દસ્તાવેજી કાર્યવાહી ઓછી થાય અને બને તેટલું જલદી લોનની રકમ જરૂરિયાતવાળા લોકોના ખાતામાં આવે તેનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવશે.

(4:57 pm IST)