Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભાજપ - વરૂણ ગાંધી વચ્ચે વધી રહ્યું છે અંતરઃ શું તેઓ કોંગ્રેસનો 'હાથ' ઝાલી લેશે?

ભાજપે ભાવ નહિ આપતા નારાજ છે વરૂણ

નવી દિલ્હી તા. ૧૧ : ભાજપા સાંસદ વરૂણ ગાંધી અને પક્ષ વચ્ચેનું અંતર વધતું જાય છે. ભૂતકાળમાં પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી રહી ચૂકેલા વરૂણ છેલ્લા ઘણાં સમયથી પક્ષમાં નજરઅંદાજ કરાઇ રહ્યા છે. તેમને સંગઠનમાં કે સરકારમાં કોઇ જગ્યા નથી અપાઇ. હવે લખીમપુર ખીરીની ઘટનાની સાથે ભાજપાની નવી રાષ્ટ્રીય કાર્યકારીણીની રચના વરૂણની નારાજગીનું મોટું કારણ બની છે.

નવી રાષ્ટ્રીય કાર્યકારીણીમાં મેનકા કે વરૂણ બે માંથી કોઇને સ્થાન નથી મળ્યું. આ પહેલા બન્ને નેતા તેમાં સામેલ હતા. સંગઠનમાં તેમનો ઘટી રહેલ રસ પણ આનું એક કારણ હતું. આમ પણ કાર્યકારીણીની પુર્નરચનામાં ૨૫ થી ૩૦ ટકા સભ્યો બદલવામાં આવે છે અને આ વખતે પણ પક્ષમાં કેટલાય નેતાઓ બદલાયા છે.

વરૂણ અને તેમની માતા મેનકા ગાંધી, ગાંધી પરિવારના હોવાથી તેમને હટાવવાનું ચર્ચાનો વિષય બન્યો છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં મેનકા ગાંધીને મંત્રીપદ નહોતું અપાયું ત્યારથી જ આ અંતર દેખાવા લાગ્યું હતું. વરૂણ ગાંધી પણ સંગઠનના કામો વધારે રસ નહોતા લઇ રહ્યા અને હાલમાં તેમનું એ સ્ટેટમેન્ટ પણ ચર્ચામાં રહ્યું કે તેમને જાણ નહોતી કે તે કાર્યકારીણીમાં હતા કે નહીં.

હવે જ્યારે યુપીની ચૂંટણી આવી રહી છે ત્યારે વરૂણ ગાંધીના બયાન ભાજપાને અસહજ કરનારા છે. જો કે ભાજપા નેતૃત્વ વરૂણ ગાંધીના બયાનોને વધારે ભાવ નથી આપતું. તેમના કોઇ પણ બયાન પર કોઇ પ્રતિક્રિયા નથી અપાઇ રહી. આના સ્પષ્ટ સંકેત છે કે ભાજપા વરૂણ ગાંધી બાબતે બહુ ગંભીર નથી.

(10:05 am IST)