Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજૌરી જિલ્લાનો પ્રવાસ કરશે અને જમીની સ્થિતિની સમીક્ષા કરશે.

ગૃહપ્રધાન પ્રવાસ દરમિયાન સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરશે અને રાજ્ય પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, ગુપ્ત એજન્સીઓ અને સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરશે

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ આ અઠવાડિયાના અંતે જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ કરશે અને જમીની સ્થિતિની સમીક્ષા કરશે,જમ્મૂ કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જાડીબલ વિસ્તારમાં નવા વર્ષના પ્રથમ દિવસે આતંકીઓએ હિન્દુ પરિવાર પર ફાયરિંગ કર્યુ હતું. આ હુમલામાં અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચૂક્યા છે

રાજૌરીના ધનગરી ગામમાં આતંકી હુમલામાં 2 બાળકો સહિત 6 નાગરિકના મોતના 10 દિવસ બાદ ગૃહ પ્રધાનનો પ્રવાસ થઈ રહ્યો છે. જમ્મૂ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને રદ્દ કરવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ અમિતભાઈ  શાહનો આ ત્રીજી વખતનો પ્રવાસ હશે.સુત્રો જણાવી રહ્યા છે કે અમિતભાઈ શાહ સુરક્ષા અધિકારીઓ અને પીડિતોના પરિવારોને મળવા માટે રાજૌરી જશે.

 

આ અઠવાડિયાની શરૂઆતમાં જ અમિતભાઈ  શાહે ભાજપના નેતૃત્વ સાથે બેઠક કરી હતી. જેમાં તેમને સુરક્ષા અને તંત્ર સંબંધિત મુદ્દાઓને ઉઠાવ્યા હતા. ગૃહપ્રધાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમને સુવ્યવસ્થિત કરવામાં આવશે. CRPFએ રાજૌરી પુંછ વિસ્તારમાં વધુ 2000 સૈનિકોને તૈનાત કરીને રાખ્યા છે અને આતંકી ખતરા વિશે ગુપ્ત જાણકારીઓની વચ્ચે ગ્રામ રક્ષા સમિતિઓને પ્રશિક્ષણ આપવાનું શરૂ કરી દીધું છે.

ગૃહપ્રધાન પોતાના પ્રવાસ દરમિયાન સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરશે અને રાજ્ય પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, ગુપ્ત એજન્સીઓ અને સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરશે. આ સિવાય આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાના સાધન તરીકે નશીલા પદાર્થોનો ઉપયોગ ગંભીર બાબત છે. જેની પર સુરક્ષા સમીક્ષા બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

નવા વર્ષના પ્રથમ દિવસે જમ્મૂ કાશ્મીરમાં 3 આતંકી હુમલા થયા હતા. આતંકીઓએ રાજૌરી જિલ્લાના ડાંગરી ગામમાં 1 જાન્યુઆરીની સાંજે ફાયરિંગ કર્યુ હતું, જેમાં 4 હિન્દુઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના 24 કલાક બાદ ફરી એક વાર IED બ્લાસ્ટ થયો, જેમાં બે બાળકીઓના મોત થયા હતા.

(9:24 pm IST)