Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાજસ્‍થાનના ખેડૂતોની સાથે આ તે કેવી મજાક ! પાક વીમાના માત્ર ૨ પૈસા મળ્‍યા!

અહીં પાક નિષ્‍ફળ જવા પર ઘણા ખેડૂતોને ૨ પૈસાથી લઈને ૨૦ રૂપિયા જેટલું વળતર આપવામાં આવ્‍યું છેઃ આ પ્રકારના મોટાભાગના મામલે બાડમેલ જિલ્લામાં સામે આવ્‍યા છેઃ આ મામલે ખેડૂતોમાં ભારે રોષ

જેસલમેર,તા.૧૨: રાજસ્‍થાનના ખેડૂતો સાથે તાજેતરના દિવસોમાં એક ગંદી મજાક થઈ રહી છે. તાજેતરમાં જ રાજયના ખેડૂતોને ખરીફ પાકની વીમા રકમ આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૧નો પાક નિષ્‍ફળ ગયાના વીમા ક્‍લેમની રકમ એક વર્ષ પછી આપવામાં આવી છે. બાડમેર જિલ્લાના કેટલાક ખેડૂતોને આપવામાં આવેલી વીમાની રકમના કેટલાક સ્‍ક્રીન શોટ્‍સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સ્‍ક્રીન શોટ્‍સથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આヘર્યજનક વાત એ છે કે, બાડમેર જિલ્લામાં ઘણા ખેડૂતોને વીમા ક્‍લેમના રૂપમાં ૨ પૈસા, ૩ પૈસા, ૪ પૈસા, ૫ પૈસા, ૧ રૂપિયો, ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા મળ્‍યા છે. ખેડૂતોએ જેટલું પ્રીમિયમ ભર્યું, પાક નિષ્‍ફળ ગયા પછી ક્‍લેમની એટલી રકમ પણ ન મળી. પાક વીમાના નામે ખેલાયેલા આ ખેલ પછી રાજયના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં વીમા ક્‍લેમની જે રકમ કંપની તરફથી આપવામાં આવી હતી, તે છેલ્લા વર્ષના વીમા ક્‍લેમની છે. પાક નિષ્‍ફળ ગયા પછી રાજય સરકારે સર્વે કરાવ્‍યો. તે પછી લાંબા સમય સુધી સરકાર અને ખેડૂતો વચ્‍ચે વીમા ક્‍લેમની રકમને લઈને સંઘર્ષ ચાલ્‍યો. વીમા માટે કેન્‍દ્ર અને રાજય સરકારની સાથે પ્રીમિયમનો હિસ્‍સો ખેડૂતો પણ ભરે છે. લાંબી લડત બાદ ઈન્‍શ્‍યોરન્‍સ કંપનીએ વીમા ક્‍લેમના રૂપિયા આપ્‍યા હતા. પ્રીમિયમના રૂપમાં વીમા કંપનીમાં ૪૧૧ કરોડ રૂપિયા જમા કરાવાય હતા, પરંતુ વીમા કંપનીએ ૩૧૧ કરોડ રૂપિયા જ રિલીઝ કર્યા. એટલે કે, કંપની ૧૦૦ કરોડ રૂપિયા હજમ કરી ગઈ. જોકે, ક્‍લેમની રકમ સર્વે રિપોર્ટના આધારે નક્કી થતી હોય છે. તલાટીઓ દ્વારા તૈયાર કરાતો રિપોર્ટ રાજય સરકાર કંપનીઓને મોકલતી હોય છે, જેના આધારે કંપની વીમા ક્‍લેમની રકમ રિલીઝ કરે છે.

ખેડૂતોને વીમા ક્‍લેમના ૨ પૈસા, ૩ પૈસા અને ૫ પૈસા મળ્‍યા હોવા મુદ્દે કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી કૈલાશ ચૌધરીએ રાજય સરકારને આડેહાથ લીધી. ચૌધરીએ કહ્યું કે, વીમા ક્‍લેમની રકમ રાજય સરકારના રિપોર્ટના આધારે ઈન્‍શ્‍યોરન્‍સ કંપની રિલીઝ કરે છે. રાજય સરકારે ખેડૂતોનો પાક નિષ્‍ફળ ગયો હોવાની વાતને નજરઅંદાજ કરી સાચો રિપોર્ટ તૈયાર ન કર્યો, જેનું નુકસાન રાજયના હજારો ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે.

(11:47 am IST)