Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ભારતની બોર્ડર પાસે મ્‍યાનમારની એર સ્‍ટ્રાઈકઃ ભારતમાં પડ્‍યો બોમ્‍બ ! મિઝોરમમાં ફફડાટ

મિઝોરમ રાજ્‍યના ફરકાવાન ગામના બે સ્‍થાનિક રહેવાસીઓએ કહ્યું છે કે બોર્ડર નજીક ભારતમાં બે બોમ્‍બ પડ્‍યાઃ પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી

નવી દિલ્‍હી, તા.૧૨: મ્‍યાનમારની સેનાએ ભારત સાથેની સરહદ પર એક મોટા વિદ્રોહી કેમ્‍પ પર એર સ્‍ટ્રાઈક કરતા મિઝોરમના ચંફઈ જિલ્લાના વિસ્‍તારોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. મીડિયા રિપોર્ટ્‍સ મુજબ બોમ્‍બનો એક શેલ ભારતમાં પડ્‍યો હતો, જો કે કોઈ જાનહાનિ થઈ નથી. ચંફઈ જિલ્લાના એક અધિકારીએ જણાવ્‍યા કે, સરહદ નજીક નદી કિનારે એક ટ્રકને નુકસાન થયું છે. મ્‍યાનમારમાં લગભગ બે વર્ષ જૂના તખ્‍તાપલટથી આ પ્રદેશમાં અસ્‍થિરતા સર્જાઈ છે. મ્‍યાનમારના અન્‍ય ભાગોમાં પણ હવાઈ હુમલાને કારણે બાંગ્‍લાદેશ અને થાઈલેન્‍ડ સાથે તણાવ વધ્‍યો છે.

મ્‍યાનમારની સેનાએ મંગળવારે બપોરે ચિન રાજ્‍યના કેમ્‍પ વિક્‍ટોરિયા પર હવાઈ હુમલાઓ શરૂ કર્યો અને તે રાત સુધી ચાલુ રહ્યા હતા. ચિન હ્યુમન રાઇટ્‍સ ઓર્ગેનાઇઝેશને જણાવ્‍યું હતું કે, હુમલામાં તેના પાંચ કેડર માર્યા ગયા છે, જેમાં બે મહિલાઓ હતી.

કેમ્‍પ વિક્‍ટોરિયા એ ચિન નેશનલ આર્મી (CNA)નું મુખ્‍ય મથક છે, જે ચિન રાજ્‍યનું એક જાતીય સંગઠન છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મ્‍યાનમારમાં લશ્‍કરી બળવાથી, તેણે જુંટા સામેની લડાઈમાં લોકશાહીના સમર્થીત લોકોએ મિલિશિયા સાથે હાથ મિલાવ્‍યો છે. કેમ્‍પ વિક્‍ટોરિયાથી ૨થી ૫ કિમીના વિસ્‍તારમાં આવેલા મિઝોરમના ફરકોન ગામના રહેવાસીઓ તોપમારાનો અવાજ સાંભળીને ગભરાઈ ગયા હતા.

જો કે, ભારત તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જો કે, ભારતીય રક્ષા સંસ્‍થાનના સૂત્રોએ આ સમાચાર પર કહ્યું છે કે, ભારતીય વિસ્‍તારમાં કોઈ અભિયાન કે કાર્યવાહી થઈ નથી. જો મીડિયા અહેવાલમાં એવું કહેવામાં આવ્‍યું કે, ભારતના મિઝોરમ રાજ્‍યમાં આવેલા ફરકાવાન ગામના બે સ્‍થાનિક રહેવાસીઓએ કહ્યું છે કે સરહદ નજીક ભારતમાં બે બોમ્‍બ પડ્‍યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

મહત્‍વનું છે કે, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ, મ્‍યાનમારની સેનાએ બળવો કરીને સત્તા કબજે કરી અને નોબેલ પુરસ્‍કાર વિજેતા આંગ સાન સુ કી અને તેમની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD)ના અન્‍ય નેતાઓની ધરપકડ કરી હતી, જે પછી દેશમાં કટોકટી જાહેર કરી હતી. દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં લોકશાહી પુનઃસ્‍થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. મ્‍યાનમાર ભારતના વ્‍યૂહાત્‍મક પડોશીઓમાંથી એક છે. બંને દેશો વચ્‍ચે ૧,૬૪૦ કિલોમીટર લાંબી બોર્ડર છે.

(4:20 pm IST)