Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

બિહારના શિક્ષણમંત્રીના રામાયણ પરની વિવાદી નિવેદન પર પૂર્વ સીએમ રૂપાણીએ ખફા : પદભ્રષ્ટ કરવા માંગ કરી

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું - બિહારના મુખ્યમંત્ર આવા નેતાને પદભ્રષ્ટ કરે તેમજ તેમના આ નિવેદન બદલ તેમણે જાહેરમાં માફી પણ માંગવી જોઈએ

બિહારનાં શિક્ષણમંત્રી ડોક્ટર ચંદ્રશેખરે પટના ખાતે વિવાદી નિવેદન આપ્યું હતું. નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેણે મનુસ્મૃતિ અને રામચરિત માનસને સમાજમાં નફરત ફેલાવનારા અને ભાગલા પાડનારા પુસ્તકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રામચરિત માનસ દલિતો-પછાત-મહિલાને સમાજમાં અભ્યાસ કરતા અટકાવે છે. તેમજ તેમને તેમના હક મેળવવાથી અટકાવે છે. ત્યારે તેમના આ નિવેદન અંગે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દ્વારા ડોક્ટર ચંદ્રશેખર રામના નામે નફરત ફેલાવતા હોવાનો આરોપ લગાવી તેમને તાત્કાલિક પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે. .

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કહ્યું કે, ભગવાન રામનું નામ દેશભરમાં ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. ગાંધીજીથી માંડીને દેશના દરેક મહાનુભાવો અને મોટા ગજાના નેતાઓએ રામરાજ્યને સ્વીકાર્યું છે. અને ગાંધીજી હંમેશા કહેતા હતા કે રામચરિત માનસ સામાજિક સમરસતાનો સૌથી મોટો ગ્રંથ છે. રામચરિત માનસમાંથી જ રામરાજ્યની કલ્પના થઈ છે જેને સર્વે સમાજે સ્વીકૃતિ આપી છે ત્યારે બિહારના શિક્ષણ મંત્રી આ પ્રકારના નિવેદન આપીને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. હું બિહારના મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે આવા નેતાને પદભ્રષ્ટ કરે તેમજ તેમના આ નિવેદન બદલ તેમણે જાહેરમાં માફી પણ માંગવી જોઈએ.

 

ઉલ્લેખનીય છે કે, પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત સુપર-40 સેન્ટર ઓફ એક્સેલન્સનું આયોજન કરાયું છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સંચાલિત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તેમજ ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સના સયુંકત ઉપક્રમે આયોજિત સુપર 40ના હેઠળ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ JEE પરીક્ષા પાસ કરી IIT અને દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્થિક રીતે પછાત 40 વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતી માધ્યમમાં નિ:શુલ્ક બેચ શરૂ કરાશે. તેમજ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. જોકે આ માટે પહેલાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેલા વિજય રૂપાણી દ્વારા બિહારનાં શિક્ષણમંત્રીનાં રાજીનામાંની માંગ કરવામાં આવી છે.

(9:27 pm IST)