Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ચૂંટણી પૂરી થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જય શ્રીરામનો નારો લગાવશે

અમિત શાહે બંગાળમાં પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો : કેન્દ્રીય મંત્રીએ ફરી એકવાર મમતા દીદીની દુઃખતી નસ દબાવવાની કોશિશ કરી, ટીએમસી પર આકરા પ્રહાર

કોલકાતા, તા. ૧૧ : ભાજપની નજર જ્યાં પશ્ચિમ બંગાળ પર છે ત્યારે અહીં તડામાર તૈયારીઓ સાથે રેલીઓ અને સભાઓ યોજવામાં આવી રહી છે. બંગાળમાં રેલી પહેલા હોબાળો થવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે જય શ્રીરામના નારાના કારણે ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનર્જી અકળાયા હોવાના કિસ્સા પણ અનેક બન્યા છે. ત્યારે હવે અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચૂંટણી પૂરી થતા-થતાં મમતા દીદી પણ એકવાર જય શ્રીરામનો નારો જરુર લગાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. આવામાં અમિત શાહે ફરી એકવાર મમતા દીદીની દુઃખતી નસ દબાવવાની કોશિશ કરી છે. અમિત શાહે અહીં પશ્ચિમ બંગાળના કૂચ બિહારના રસ મેલા ગ્રાઉન્ડથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવીને વિશાળ જનમેદની સંબોધી હતી. તેમણે પોતાના સંબંધનમાં વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને મમતા દીદીની ટીએમસી સરકાર પર વાક બાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે, વખતે નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ અને મમતાજીના વિનાશ મોડલ વચ્ચે ચૂંટણી થવાની છે જેમાં બંગાળ શું ઈચ્છે છે તે નક્કી કરશે. જય શ્રીરામના નારાથી અકળાતા મમતાને વધુ અકળાવવાનો પ્રયાસ કરીને અમિત શાહે કહ્યું કે, મમતા દીદીને જય શ્રીરામનો નારો અપમાન લાગે છે. હું તમને વાયદો કરું છું કે ચૂંટણી પૂરી થતા-થતા મમતા દીદી પણ જય શ્રીરામ બોલવા લાગશે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન દીદીને આખા રાજ્યમાં ક્યાંથી ચૂંટણી લડવી તે અંગે સંશય હોવાની વાત કરી કહ્યું કે, મમતા દીદીની હાલત એવી થઈ ગઈ છે કે ચૂંટણી લડવા માટે પણ બેઠક શોધવી પડી રહી છે, અહીંથી લડું.. કે ત્યાંથી લડું..

શાહે કહ્યું કે, મમતા દીદીએ એવો માહોલ બનાવી દીધો છે કે જય શ્રીરામ બોલવું ગુનો થઈ ગયો છે. એટલે આવો મારી સાથે ભેગા થઈને બોલો.. જય શ્રીરામ..

બંગાળમાં થતી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવીને અમિત શાહે કહ્યું કે, તમને અમને તક આપો, અમે બંગાળને એવું બનાવીશું કે માણસ તો શું પક્ષી પણ ઘૂસણખોરી નહીં કરી શકે. મમતા દીદી મોદી સાથે ઝઘડતા રહે છે. સુભાષ બાબુના કાર્યક્રમમાં પણ ઝઘડો કર્યો. સુભાષ બાબુના કાર્યક્રમમાં રાજકારણ ના લાવવું જોઈએ. પણ ઝઘડતા રહ્યા. શું આનાથી બંગાળનું ભલું થશે?

ચૂંટણીની લડાઈનો ઉલ્લેખ કરીને શાહે કહ્યું, મમતા દીદી, બંગાળની ચૂંટણી વખતે ઐતિહાસિક થવા જઈ રહી છે. તમારા તોફાની ગુંડા સામે મારી ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખ લડાઈ લડવાના છે, બૂથના કાર્યકર્તા લડવાના છે. તેમણે કહ્યું કે લડાઈ તમે જીતી નહીં શકો, કારણ કે બંગાળની જનતાએ નક્કી કરી લીધું છે કે પરિવાર્તન કરીને રહેશે.

(12:00 am IST)