Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોરોનાનો ખતરનાક બ્રીટીશ વેરીયન્ટ દુનિયાભરમાં પ્રસરી જશે

નવા વેરીયન્ટની રસી તૈયાર કરવામાં લાગશે નવ મહિના

લંડન, તા. ૧૨ :. દુનિયામાં કોરોના વાયરસના નવા નવા વેરીયન્ટ ગંભીર પડકારો ઉભા કરી રહ્યા છે. તેમા સૌથી વધારે જોખમ કોરોનાના બ્રીટીશ વેરીયન્ટનુ હોવાનુ જણાવાઈ રહ્યુ છે. વાયરસનો આ વેરીયન્ટ વિશ્વભરમાં ફેલાવાનો ભય વ્યકત કરાઈ રહ્યો છે. ગયા ડીસેમ્બરમાં બ્રિટનમાં તેની ઓળખ થઈ હતી. અત્યાર સુધીમા દુનિયાના ૮૦થી વધારે દેશોમાં આ વેરીયન્ટ પહોંચી ચૂકયો છે.

બ્રિટનમાં મહામારી પર રચાયેલી એજન્સી કોવિડ-૧૯ જીનોમિકસની ડાયરેકટર શેરોન પીકોકે કહ્યું કે આ નવો વેરીયન્ટ દેશભરમાં ફેલાય ચૂકયો છે અને આખી દુનિયાને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપતા કહ્યુ કે ચિંતાજનક વાત એ છે કે આ ૧.૧.૭ વેરીયન્ટ વધારે સંક્રમક છે, તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકન વેરીયન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

દવા કંપની એસ્ટ્રેજેનેકાએ કહ્યું કે કોરોનાના નવા વેરીયન્ટ સામેની અસરકારક રસી તૈયાર કરવામાં છથી નવ મહિના લાગી શકે છે. ગાર્જીયન અખબારે કંપનીના હવાલાથી જણાવ્યુ કે આ વેરીયન્ટ સામે લડવા માટે નવી રસી પર કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે. આ કંપનીએ ઓકસફર્ડ યુનિવર્સિટી સાથે મળીને એક રસી તૈયાર કરી છે જે બ્રીટીશ વેરીયન્ટ સામે પણ અસરકારક જોવા મળી છે.

(11:31 am IST)