Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

યુપીમાં બનાવાયેલું કોરાના માતાનું મંદિર તોડી પડાયું

કોરોના કાળમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી ઘટના : કોરોનાથી ત્રણના મોત થતા મંદિર બનાવી મૂર્તિ સ્થાપિક કરી દેવાઈ હતી, મંદિર બનાવનારાના ભાઈની અટકાયત

લખનૌ, તા.૧૨ : કોરોનાની બીજી લહેરે મચાવેલા હાહાકાર વચ્ચે યુપીમાં એક ગામમાં કોરોના માતાનુ મંદિર બનાવવામાં આવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે યુપીના પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં કોરોના વાયરસથી ત્રણ લોકોના મોત થયા હતા. પછી ગ્રામજનોમાં ભય અને દહેશત ફેલાઈ ગઈ હતી.

ગામના એક રહેવાસીએ કોરોનાનુ સંક્રમણ ના ફેલાય તે માટે કોરોના માતાનુ મંદિર બનાવવાનુ નક્કી કર્યુ હતુ. માટે તેમણે એક મૂર્તિનો ઓર્ડર પણ આપી દીધો હતો. પછી ગામના ચબૂતરા પાસે એક નાનકડુ મંદિર બનાવીને તેમાં મૂર્તિ સ્થાપિત પણ કરી દીધી હતી. અંગેની જાણકારી તંત્રને મળતા દોડધામ થઈ ગઈ હતી.

અધિકારીઓ અને પોલીસના ધાડા ગામમાં ઉતરી પડ્યા હતા.સમગ્ર મામલો અંધવિશ્વાસ સાથે જોડાયેલો હોવાથી પોલીસે મંદિર તોડી નાંખવાનો નિર્ણય લીધો હતો.શુક્રવારની રાતે પોલીસ જેસીબી લઈને ગામમાં પહોંચી હતી અને મંદિર તેમજ બોર્ડ જમીનદોસ્ત કરી નાંખ્યુ હતુ. ગામથી પાંચ કિલોમીટર દુર કાટમાળ ફેંકી દેવામા આવ્યો હતો.

મંદિર બનાવનાર આરોપીના ભાઈને પોલીસે અટકાયતમાં લીધો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે મંદિર તોડ્યુ તે પહેલા તો અહીંયા પૂચા પાઠ શરૂ થઈ ગયો હતો. ગામના એક રહેવાસીએ કહ્યુ હતુ કે, મંદિર બનાવવાનો નિર્ણય ગામના લોકોનો હતો. લોકોને લાગતુ હતુ કે, અહીંયા પૂજા કરવાથી કોરોના વાયરસમાંથી રાહત મળશે.

જોકે હવે મંદિર તો રહ્યુ નથી અને પોલીસે અંદર મુકાયેલી મૂર્તિ પણ જપ્ત કરીને હાલમાં પોલીસ મથકમાં મુકી દીધી છે.

(7:26 pm IST)