Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ચીને સી ફૂડ વેચતી ભારતની છ કંપની પર પ્રતિબંધ મૂક્યો

સી ફૂડ પ્રોડક્ટસના પેકેજિંગમાં કોરોના વાયરસ મળ્યો : ચીનમાં સી ફૂડની ભારે માગ રહે છે અને તેને પૂરી કરવા ભારત સહિતના બીજા દેશોથી સી ફૂડની આયાત કરે છે

નવી દિલ્હી, તા.૧૨ : ભારતથી આયાત થતી સી ફૂડ પ્રોડક્ટસના પેકિજિંગમાં કોરોના વાયરસ મળ્યા બાદ ચીને ભારતીય કંપનીઓની પ્રોડક્ટસની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે.

મળતી વિગતો પ્રમાણે ચીનને ફ્રોઝન સી ફૂડ વેચતી ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધ એક સપ્તાહ માટે લાગુ કરાયો છે. ચીન દ્વારા ગયા વર્ષથી દુનિયાભરમાંથી જે પણ ફ્રોઝન સી ફૂડ પ્રોડક્ટસ આવે છે તેમાં કોરોના વાયરસ છેકે નહીં તેની તપાસ કરવામાં આવે છે અને ભૂતકાળમાં પણ રીતે પ્રતિબંધ મુકાઈ ચુકયો છે.

ચીનના કસ્ટમ વિભાગે કહ્યુ તહુ કે, ભારતીય કંપનીઓના પેકેજ પર કોરોના વાયરસના નિશાન મળી આવ્યા છે. એટલે તેમની આયાત એક સપ્તાહ સુધી બંધ કરાઈ છે. ચીન દ્વારા ગયા વર્ષથી કોરોના વાયરસને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. ચીન હાલમાં જે કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે તેના માટે બહારથી આવનારા લોકોને જવાબદાર ઠેરવી રહ્યુ છે.

ચીનમાં સી ફૂડની ભારે માંગ રહે છે અને તેને પૂરી કરવા માટે ચીન ભારત સહિતના દુનિયાના બીજા દેશોમાથી સી ફૂડની આયાત કરે છે. સી ફૂડના પેકિજિંગની તપાસ નિયમિત રીતે કરાતી હોય છે. જેથી પેકેજિંગ થકી કોરોના વાયરસ ફરી ચીનમાં ફેલાય નહીં.

ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા બાદ ચીન ભારતીય પ્રોડક્ટસને લઈને વધારે સતર્કતા રાખી રહ્યુ છે.

(7:27 pm IST)