Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભાગેડુ મેહુલ ચોક્સી સામે ડોમિનિકાની હાઇકોર્ટમાં સીબીઆઈ અને વિદેશ મંત્રાલયે દાખલ કરી એફિડેવિટ

મેહુલ ચોક્સી ઘણી કંપનીઓની પાછળનો માસ્ટરમાઇન્ડ: બેંક પ્રક્રિયાનો દુરૂપયોગ કરીને ગેકકાયદેસર રીતે ક્રેડિટ મેળવવા માટે અધિકારીઓ સાથે કાવતરું રચ્યું

નવી દિલ્હી : ભાગેડુ મેહુલ ચોક્સીને મામલે ભારતે ડોમિનીકાની કોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે આમાંથી એક અરજી CBI અને બીજી વિદેશ મંત્રાલયે દાખલ કરી છે. CBIએ ચોક્સીના ભાગેડુની સ્થિતી સ્થાપિત કરવા માટે અને વિદેશ મંત્રાલયે તેમના ભારતીય નાગરિકતાના દરજ્જા માટે અરજી દાખલ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે, જો ભારતે દાખલ કરેલી અરજીઓને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવે તો દેશના વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેને CBI અને વિદેશ મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરશે.

આ બાબતે CBIના DIGએ ડોમિનિકાની કોર્ટમાં જણાવ્યું છે કે મેહુલ ચોક્સી ઘણી કંપનીઓની પાછળનો માસ્ટરમાઇન્ડ હતો તથા તેણે અને અન્ય લોકોએ બેંક પ્રક્રિયાનો દુરૂપયોગ કરીને ગેકકાયદેસર રીતે ક્રેડિટ મેળવવા માટે અધિકારીઓ સાથે કાવતરું રચ્યું છે.

CBIએ ડોમિનિકા કોર્ટને જણાવ્યું છે કે તપાસ દરમિયાન મેહુલ ચોક્સીની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનાં સરનામા અંગે માહિતી ન હતી અને તે ભારતમાં ન હતો. ડોમિનિકા હાઇકોર્ટે શનિવારે મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે હાઈકોર્ટે તેને એમ કહીંને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો કે તેના છટકી જવાનું જોખમ છે.

23 મેના રોજ ચોક્સી રહસ્યમય સંજોગોમાં એન્ટિગુઆ અને બાર્બુડાથી ગુમ થઈ ગયો હતો અને તે પાડોશી દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા પકડાયો હતો. તેની ઉપર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ છે. તે 2018થી એન્ટિગુઆમાં નાગરિક તરીકે રહી રહ્યો છે. જોકે, મેહુલના વકીલોનો આરોપ છે કે તેનું અપહરણ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો છે.

(8:55 pm IST)