Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

રાજયમાં નોન પરફોર્મર મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે: 50 ટકા જેટલા મંત્રીઓની પણ ભૂમિકા બદલાઇ શકે છે

જો પાટીદાર મુખ્યમંત્રી બને અને બીજી બાજુ નીતિન પટેલને આ સ્થાન ન મળે તો નાયબ મુખ્યમંત્રી તરીકે તેમનું પતું પણ કપાઇ જવાની સંભાવના છે : 14 કે 15 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી સહિત કેબિનેટના મંત્રીઓના શપથ ગ્રહણની સંભાવના

ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પરથી વિજય રૂપાણીએ 11મી સપ્ટેમ્બર, 2021ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું. ભાજપના સિનિયર કેન્દ્રિય નેતા અને સંગઠન મંત્રી બી.એલ. સેંતોષ તેમને મળવા ગુરૂવારે ખાસ ગાંધીનગર આવ્યા હતા અને મોવડી મંડળની ઇચ્છાની વિજય રૂપાણીને જાણકારી આપી હતી. આ ઇચ્છા જાણ્યા પછી વિજય રૂપાણીએ હોદ્દો છોડી દેવાનું મન બનાવી લીધું હતું. જે બાદ શનિવારે સવારે ભાજપ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ વિજય રૂપાણીને મળ્યા હતા. જે બાદ વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું હતું.

વિજય રૂપાણીની સાથે રાજ્યનાં કેબિનેટના અન્ય મંત્રીઓને પણ મોટો ફટકો પડવાના પ્રબળ અંસાર વર્તાઇ રહ્યા છે. નવા મુખ્યમંત્રીની સાથે નવા ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે કેબિનેટમાં યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. કેબિનેટનાં 50 ટકા જેટલા મંત્રીઓની પણ ભૂમિકા બદલાઇ શકે છે. હાલની કેબિનેટમાં જે પણ નોન પરફોર્મર મંત્રીઓ છે તેમની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. 14 કે 15 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી સહિત કેબિનેટના મંત્રીઓના શપથ ગ્રહણ યોજાઇ શકે છે.

જે ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રમાણે જો પાટીદાર મુખ્યમંત્રી બને અને બીજી બાજુ નીતિન પટેલને આ સ્થાન ન મળે તો નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને પણ અલવિદા કહેવામાં આવી શકે છે. નીતિન પટેલ પણ સરકારમાં સિનિયર મંત્રી છે. તેવી સ્થિતિમાં આવી પરિસ્થિતિ પણ નિર્માણ થઇ શકે છે. તો અત્યાર સુધી ગુજરાત સરકાર માટે સંકટ મોચનની ભૂમિકા ભજવી રહેલા પ્રદિપ સિંહ જાડેજાની પણ ભૂમિકા બદલાઇ શકે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

ગુજરાતના હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્રીજી વખત મુખ્યમંત્રી પદની રેસમાં આવ્યા છે. તેમના નામ પહેલા પણ બે વખત રેસમાં આવી ચૂક્યાં છે. તેમના માટે આ ત્રીજો પ્રયાસ છે. હવે તેઓ આ રેસમાં બાજી મારી જશે કે નહીં તે તો આગામી સમય જ જણાવશે.

(12:48 pm IST)