Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ માટે કરી અભદ્ર ટિપ્પણી : બીમાર પણ ગણાવ્યા

ટ્રમ્પે કહ્યું કે, જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે ઝકરબર્ગ તેમના પગમાં પડ્યા રહેતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગને લઈ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી છે. ટ્રમ્પે કહ્યું કે, જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે ઝકરબર્ગ તેમના પગમાં પડ્યા રહેતા હતા. જોકે આ દરમિયાન તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો તે લખી ન શકાય તેવી હતી. ટ્રમ્પે તેમને ‘બીમાર’ પણ ગણાવ્યા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ બધી વાત કરી હતી.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામો બાદ વ્હાઈટ હાઉસમાં હિંસા ભડકી ઉઠી ત્યાર બાદ ટ્રમ્પના ફેસબુક-ટ્વીટર એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યા હતા. ટ્રમ્પ હાલ ટ્વીટર, ફેસબુક અને યુટ્યુબ વિરૂદ્ધ કેસ લડી રહ્યા છે. તેમણે આ ત્રણેયને ‘બીમાર’ ગણાવ્યા છે.

ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, ‘આ લોકો બીમાર છે. તે (ઝકરબર્ગ) વ્હાઈટ હાઉસ આવવા માટે (લખી ન શકાય તેવા શબ્દો). તે અને તેની વહાલી પત્ની વ્હાઈટ હાઉસમાં મારા સાથે ડિનર કરતી હતી. હવે તમે જોઈ રહ્યા છો કે, તે બધા મારા સાથે શું કરી રહ્યા છે. આ બધું પાગલપન છે.’

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર નિશાન સાધતા કહ્યું કે, હવે તે ‘બોરિંગ’ જગ્યા બની ગઈ છે કારણ કે, હવે તેઓ ત્યાં નથી. વધુમાં કહ્યું કે, ‘અનેક લોકોને એમ લાગે છે કે ટ્વીટર મારા માટે યોગ્ય નથી પરંતુ હું એનાથી સહમત નથી. મને લાગે છે કે, તે મારા માટે યોગ્ય હતું. 12 વર્ષ પહેલા જ્યારે હું ટ્વીટર પર ગયો હતો ત્યારે એ એક ફેલ્ડ ઓપરેશન હતું. અને હવે તે સફળ બની ગયું છે. ઘણાં લોકો કહે છે કે મેં એના સાથે ઘણું કર્યું.’

ટ્રમ્પે અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો કે, જો બાઈડનની જેમ તેમણે અફઘાનિસ્તાન અંગે આ નિર્ણય લીધો હોત તો તેમના વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવામાં આવેત.

(3:32 pm IST)