Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અમદાવાદના મેમનગર નગરપાલિકાથી શરૂ કરેલ રાજકીયયાત્રા મુ્ખ્યમંત્રી સુધી પહોંચી

પાટીદારોની સંસ્થા સરદારધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત: 1995-96માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે ત્યારબાદ 2004-06 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે રહ્યાં : થલતેજ વોર્ડના કાઉન્સિલ તરીકે ચૂંટણી જીત્યા:અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઔડાના ચેરમેન પણ રહ્યાં

અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ પામેલા ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના મેમનગરથી પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓ સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. અમદાવાદમાં જન્મેલા અને અમદાવાદમાં જ વસવાટ કરતાં ભૂપેન્દ્ર પટેલની 59 વર્ષની ઉંમર ધરાવે છે. તેમણે ડિપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે બિલ્ડર હતા. તેની સાથોસાથ તેમણે મેમનગર વિસ્તારમાં ભાજપના કાર્યકર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મેમનગર સ્થિત સ્વામિગુણાતિતાનંદ સોસાયટીમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજયપાલ રહેતાં હતા.

અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર રજનીકાન્ત પટેલ 15 જુલાઇ 1962માં જન્મ્યા હતા. તેમણે ડિપ્લોમા સિવીલ એન્જિનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ બિલ્ડીંગ કન્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમણે મેમનગર નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હતા. ત્યારબાદ તેઓ 1995-96માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યાં હતા. ત્યારબાદ તેઓ 2004-06 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ( સ્કૂલ બોર્ડ )ના ચેરમેન પદે રહ્યાં હતા. પછી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલ તરીકે ચૂંટણી જીત્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન થયા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ( ઓડા )ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાં પણ તેમણે કોઇપણ વાદ-વિવાદ વગર પોતાની ટર્મ પુરી કરી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઘાટલોડિયા વિસ્તારમાંથી ભાજપે ટિકીટ આપી હતી. તેમાં ઘણાં મોટા માર્જીન સાથે ચૂંટણી જીત્યા હતા.

અમદાવાદના શીલજ – કલ્હાર રોડ પરના આર્યમાન રેસીડેન્સીમાં રહેતાં ભૂપેન્દ્રભાઇ પટેલના ધર્મ પત્નીનું નામ હેતલબેન છે. તેમનો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત, ક્રિક્રેટ, બેડમિન્ટનનો શોખ હતો. તેઓ અત્યારસુધીમાં પાંચ દેશો અમેરિકા , યુરોપ, સીંગાપોર, દુબઇ તથા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચૂકયા છે

(6:53 pm IST)