Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૩,૩૭૬ નવા કેસ નોંધાયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૦૮ લોકોનાં મોત : કેરળમાં કોરોના બેકાબૂ બની ગયો છે, છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૫,૦૧૦ નવા કેસ નોંધાયા છે, કેરળમાં હાલ ૨,૩૮,૨૦૧ એક્ટિવ દર્દી છે

નવી દિલ્હી,તા.૧૧  :  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનાં નવા આંકડા જાહેર કરી લીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૩૦૮ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો ૪,૪૨,૩૧૭ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૩,૩૭૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ૩,૨૧,૧૯૮ લોકો સાજા પણ થયા છે. દેશમાં સાજા થવાનો દર ૯૭.૫ ટકા છે. નવા આંકડા સાથે દેશમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા ૩,૩૨,૦૮,૩૩૦ થઈ છે. જેની સામે ૩,૨૩,૭૪,૪૯૭ લોકો સાજા થયા છે. દેશમાં હાલ ૩,૯૧,૫૧૬ એક્ટિવ કેસ છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી ૭૫,૦૫,૮૯,૬૮૯ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં ૬૫,૨૭,૧૭૫ લોકોને રસી આપવમાં આવી હતી. દેશમાં કેરળમાં કોરોના બેકાબૂ બની ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૫,૦૧૦ નવા કેસ નોંધાયા છે.

      કેરળમાં હાલ ૨,૩૮,૨૦૧ એક્ટિવ દર્દી છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૭૭ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ૨૩,૫૩૫ લોકો સાજા થયા છે. કેરળમાં અત્યારસુધી કોરોનાથી ૨૨,૩૦૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત સરકાર તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૧ કેસ નોંધાયા છે. જેની સામે ૧૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬% છે.

          છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫,૦૫,૦૦૧ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૫,૧૮,૮૦,૪૨૦ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૩, સુરતમાં ૭, વડોદરામાં ૩, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ૨-૨, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, રાજકોટમાં ૧-૧ સહિત કુલ ૨૧ કેસ સામેલ છે. બીજી તરફ અમદાવાદમાં ૬, સુરતમાં ૨, વડોદરામાં ૨, કચ્છમાં ૨, પોરબંદરમાં ૧ દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ ૧૫૮ એક્ટિવ કેસ છે, જેમાં ૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૫૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૮,૧૫,૩૩૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(7:24 pm IST)