Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

શ્રીનગરમાં આતંકી હુમલો, એક પોલીસ અધિકારી શહીદ

સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન : અધિકારીઓએ જણાવ્યુ કે, ઈજા બાદ અધિકારીને સારવાર માટે એસએમએચએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા

શ્રીનગર,તા.૧૨ : શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં આજે આતંકીઓનો હુમલો થયો છે. સુરક્ષાદળોએ મજબૂતીથી આતંકીઓનો સામનો કર્યો છે. તો અધિકારીઓએ જાણકારી આપી છે કે આ આતંકી હુમલામાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે. આ પહેલા ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે.  એક અધિકારીએ જણાવ્યું કે આશરે ૧.૩૫ કલાક આસપાસ આતંકીઓએ ખાનયારમાં એક પોલીસ નાકા પાર્ટી પર ગોળીબારી કરી, જેમાં ખાનયાર પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી સબ ઇન્સ્પેક્ટર અરશદ અહમદ ઈજાગ્રસ્ત થઈ ગયા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

            અધિકારીઓએ જણાવ્યુ કે, ઈજા બાદ અધિકારીને સારવાર માટે એસએમએચએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને હુમલો કરનારની શોધખોળ ચાલી રહી છે.  હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરૂવારે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અને વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યુ હતું. કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ અને તંત્ર સાથે તેમની આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે હાલમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી અંતરિમ સરકારની રચનાની જાહેરાત કરી હતી.

(7:28 pm IST)