Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોટર અકસ્‍માતના કેસમાં વળતર માટે મૃતકોની આવક પર વિચાર કરવો જરૂરી

સુપ્રીમ કોર્ટની મહત્‍વપૂર્ણ ટીપ્‍પણી

નવી દિલ્‍હી, તા.૧૨: સુપ્રીમ કોર્ટે મોટર અકસ્‍માતના કેસમાં વળતરના મામલે મહત્‍વની ટિપ્‍પણી કરી છે. જેમાં કોર્ટે નરમ વલણ અપનાવ્‍યું છે, કોર્ટે જણાવ્‍યું કે મોટર અકસ્‍માતના કેસમાં વળતર આપતી વખતે મળતકની કમાણી અંગે યોગ્‍ય પ્રકારનો અભિગમ અપનાવવો જોઈએ, ખાસ કરીને જો તે ખેતી કરતો હોય અથવા તો તે એક કુશળ મજૂર હોય.

કોર્ટના જજ ડીવાઈ ચંદ્રચૂડ અને ન્‍યાયાધીશ હીમા કોહલીની ખંડપીઠે કેરળ હાઈકોર્ટના આદેશો વિરુદ્ધ બે અરજીની સુનાવણી કરી હતી. આ કેસમાં, કોર્ટે મોટર એક્‍સિડન્‍ટ ક્‍લેમ્‍સ ટ્રિબ્‍યુનલ (MACT) દ્વારા ચૂકવવામાં આવતા વળતરની રકમમાં ઘટાડો કર્યો હતો. આ કિસ્‍સામાં, ૩૦ જાન્‍યુઆરી, ૨૦૧૭ ના રોજ, MACT એ અનાનસની ખેતી કરનાર મળતકના પરિવારને ૨૬.૭૫ લાખ રૂપિયાનું વળતર આપ્‍યું હતું. એમએસટીએ દર મહિને તેની રૂ. ૧૨,૦૦૦ની મૂળભૂત આવકને તેના આધાર તરીકે લીધી હતી, પરંતુ હાઇકોર્ટે એમએસીટી દ્વારા ગણવામાં આવતી આવક રૂ. ૧૨,૦૦૦થી ઘટાડીને રૂ. ૧૦,૦૦૦ કરી હતી.

સુનાવણી દરમ્‍યાન ખંડપીઠે જણાવ્‍યુ કે હાલના મામલામાં મળતક એ અનાનસની ખેતી કરનાર ખેડૂત હતો. આ દુર્ઘટના એક ઓક્‍ટોમ્‍બર ૨૦૧૫ના રોજ થઈ હતી. ત્‍યારે બીજી તરફ આ પ્રકારના કેસોમાં કમણીના પ્રમાણ પર યોગ્‍ય અભિગમ અપનાવવો જોઈએ. કારણ કે આના દસ્‍તાવેજી પુરાવા ઉપલબ્‍ધ ન હોઈ શકે. ખાસ કરીને ખેતી કરતા ખેડૂતની કમાણી સાબિત કરવી.

સર્વોચ્‍ચ અદાલતે તાજેતરમાં તેની વેબસાઇટ પર અપલોડ કરેલા એક આદેશમાં જણાવ્‍યું હતું કે તેની દૃષ્ટિએ MACT દ્વારા અપનાવવામાં આવેલી દર મહિને રૂ. ૧૨,૦૦૦ની આવકને ‘અનિયમિત અથવા મનસ્‍વી' તરીકે ગણી શકાય નહીં. મળતકની આવકની રકમ રૂ.૧૨,૦૦૦ થી ઘટાડીને રૂ. ૧૦,૦૦૦ પ્રતિ માસ કરીને વળતરમાં હસ્‍તક્ષેપ કરવા માટે હાઇકોર્ટ તરફથી કોઈ વાજબીપણું નહોતું.

સર્વોચ્‍ચ અદાલતે વળતરની કુલ રકમ રૂ. ૨૬.૭૫ લાખ પુનઃસ્‍થાપિત કરી અને આદેશ આપ્‍યો કે મળતકના પરિવારને બાકી રકમ એક મહિનાની અંદર વાર્ષિક ૯ ટકાના દરે વ્‍યાજ સાથે ચૂકવવામાં આવે.

અન્‍ય એક કિસ્‍સામાં, MACT એ મળતકના પરિવારને રૂ.૨૪.૫૯ લાખનું વળતર આપવાનો આદેશ આપ્‍યો હતો, જેઓ સુથાર હતા, તેમની મૂળ આવક રૂ.૧૫,૦૦૦ પ્રતિ મહિને અંદાજવામાં આવી હતી. હાઈકોર્ટે ફરીથી MACT દ્વારા ગણવામાં આવતી આવકને ૧૫,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૦,૦૦૦ રૂપિયા કરી દીધી છે. આ સર્વોચ્‍ચ અદાલતની બેન્‍ચે અવલોકન કર્યું કે હાલના કેસમાં મળતક સુથાર હતો. આ અકસ્‍માત ૩ મે, ૨૦૧૫ના રોજ થયો હતો. આવા કિસ્‍સાઓમાં, કમાણી માટે યોગ્‍ય અભિગમ અપનાવવો જોઈએ, કારણ કે દસ્‍તાવેજી પુરાવા (કમાણીનો) ઉપલબ્‍ધ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે પરિસ્‍થિતિઓને જોતા ૨૪.૪૯ લાખ રૂપિયાના વળતર ચૂકવવાના દિશા નિર્દેશ આપ્‍યા હતા, અને મળતકના પરિવારને બાકી રકમ એક મહિનાની અંદર વાર્ષિક ૯ ટકાના દરે વ્‍યાજ સાથે ચૂકવવામાં આવે.

(10:16 am IST)