Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ટ્રમ્પ પરાજય સ્વીકારવા તૈયાર નથી

અમેરિકામાં સત્તા કબ્જે કરવાની તૈયારીમાં ટ્રમ્પ? પેન્ટાગોનમાં કર્યા ધરખમ ફેરફાર

વોશિંગટન, તા.૧૨: અમેરિકાની ચૂંટણીમાં જો બાઇડનએ ભલે જીત મેળવી લીધી હોય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. તેઓ હજુ પણ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ કરવામાં આવી છે. હારથી ઉશ્કેરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડીયા ઉપર પણ અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા અને જો બાઇડનની જીત પર સવાલ ઊભા કર્યા છે. આ દરમિયાન અહેવાલ સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તખ્તાપલટની તૈયારી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ જ કારણ છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી રક્ષા વિભાગમાં મોટાપાયે ફેરફાર કરી રહ્યું છે. અહેવાલ છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પેન્ટાગોનના સૌથી વરિષ્ઠ અધિકારીઓને હટાવવાનું શરૂ કરી દીધું છે અને તેમના સ્થાને ટ્રમ્પના વફાદારોને સ્થાન આપવામાં આવી રહ્યું છે. આ અધિકારીઓને હટાવતાં પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને તેમના પદથી હટાવી દીધા હતા.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ચૂંટણીમાં જો બાઇડને જીત નોંધાવી અને સત્ત્।ા પરિવર્તનની યોજના પર કામ પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ હાર સ્વીકારવા તૈયાર નથી અને ચૂંટણી પરિણામોમાં ફેરફારના પ્રયાસમાં લાગી ગયા છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિઓએ કહ્યું છે કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પોતાનો બીજો કાર્યકાળ ટૂંક સમયમાં જ શરૂ કરશે.

અમેરિકામાં તખ્તાપલટાની શકયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં જો બાઇડન કાયદાકિય રીતે અને નિર્ણાયક રૂપથી જીત્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જીત દર્શાવવા માટે કેટલું પણ જૂઠ કેમ ન બોલે કે પછી સ્પિન કરે પરંતુ હવે ચૂંટણી પરિણામોને બદલી નહીં શકાય. સતર્ક રહો- આ એક તખ્તાપલટાનો પ્રયાસ છે.

ટ્રમ્પ પ્રશાસન તરફથી ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને તેમના પદથી હટાવી દીધા બાદથી અત્યાર સુધીમાં પેન્ટાગોનમાં અનેક અધિકારીઓને બદલી લેવામાં આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી જે પ્રકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને જોયા બાદથી સૈન્ય નેતૃત્વ અને અસૈન્ય અધિકારીઓમાં ચિંતા વધી ગઈ છે. એસ્પરના હટાવ્યા બાદથી ચાર વરિષ્ઠ સૈન્ય અધિકારીને હટાવી દેવામાં આવ્યા છે.

(10:44 am IST)